ભારતનો જેપી મોર્ગન બોન્ડ ઇન્ડેક્સમાં સમાવેશ થવાના આગલા દિવસે ભારતીય શેર બજારમાં આજે એક નવો ઇતિહાસ રચાયો હતો. આગામી બજેટમાં અનેક મોટા પોઝિટીવ સુધારા સહિતની અન્ય દરખાસ્તો રજૂ થવાની પ્રબળ આશા સાથે વિદેશી રોકાણકારો દ્વારા હાથ ધરાયેલ નવી લેવાલી પાછળ આજે બીએસઇ સેન્સેક્સે ૭૯,૦૦૦ની અને એનએસઇના નિફ્ટીએ ૨૪,૦૦૦ની સપાટી પ્રથમ વખત કૂદાવી દીધી હતી. સેન્સેક્સમાં નોંધાયેલ ઉછાળાના પગલે રોકાણકારોની સંપત્તિ (બીએસઇ માર્કેટ કેપ) પણ રૂ. ૪૩૮ લાખ કરોડની વિક્રમી ઉંચાઈએ પહોંચી જવા પામી હતી.