સુપ્રીમ કોર્ટે ગુરુવારે ખનીજો પર ટેક્સ મુદ્દે રાજ્યો અને કેન્દ્ર સરકાર વચ્ચેના મતભેદો પર ૩૫ વર્ષે ઐતિહાસિક ચૂકાદો સંભળાવ્યો છે. ખનીજો પર લાગતી રોયલ્ટી ટેક્સ નથી અને રાજ્યોને ખનીજો પર ટેક્સ વસૂલવાનો અધિકાર છે તેમ મુખ્ય ન્યાયાધીશ ધનંજય ચંદ્રચૂડના અધ્યક્ષપદે નવ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે તેના ચૂકાદામાં જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે ૩૫ વર્ષ જૂના કેસમાં ૮ વિ. ૧ના બહુમતથી ચૂકાદામાં કહ્યું કે, બંધારણની જોગવાઈઓ હેઠળ સંસદ પાસે ખનીજ અધિકારો પર કર લાદવાની શક્તિ નથી.