કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા, પક્ષમાં તાજેતરમાં જ પ્રવેશ મેળવનાર અશોક ચવાણ અને કેન્દ્રીય મંત્રીઓ અશ્વિની વૈષ્ણવ તથા મુરુગન સહિત ૪૧ ઉમેદવારો મંગળવારે રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. બીજીબાજુ ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, કર્ણાટકમાં ૨૭ ફેબુ્રઆરીએ ચૂંટણીનો તખ્તો તૈયાર થઈ ગયો છે.
બીજીબાજુ રાજ્યસભાની દ્વિ-વાર્ષિક ચૂંટણીમાં ૫૬ બેઠકો પર ૨૭ ફેબુ્રઆરીએ ચૂંટણીની જાહેરાત થઈ હતી. જોકે, ૪૧ બેઠકો પર બીજા કોઈ ઉમેદવારો ઊભા રહ્યા ના હોવાથી તેમને બિનહરીફ વિજેતા જાહેર કરાયા છે, જેમાં સૌથી વધુ ભાજપના ૨૦, કોંગ્રેસના ૬, તૃણમૂલ કોંગ્રેસના ૪, વાયએસઆર કોંગ્રેસના ૩, રાજદના બે, બીજદના બે અને એનસીપી, શિવસેના, બીઆરએસ તથા જદયુના એક-એક સભ્યોનો સમાવેશ થાય છે.