હાલ રાહુલ ગાંધી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. શુક્રવારે રાહુલ ગાંધીએ સ્થાનિકો સાથે મિટિંગ કરીને તેમના અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ આજે (8 માર્ચ) કોંગ્રેસના કાર્યકરોનો સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા અને શહેરના કોંગ્રેસના હોદ્દેદારોની અને સેલ ડિપાર્ટમેન્ટના પ્રમુખો હાજર રહ્યા હતા. સંવાદ કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ પોતાના જ નેતાઓ પર આકરા પ્રકારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીમાં નેતાઓની કમી નથી, સિનિયર લેવલના નેતા છે. બબ્બર શેર છે, પરંતુ પાછળ ચેન બાંધેલી છે. ઉલ્લેખનીય છે કે બપોર બાદ રાહુલ ગાંધી દિલ્હી જવા માટે રવાના થશે.
રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે 'જો આપણે કડક કાર્યવાહી કરવી પડી અને 10, 15, 20, 30 લોકોને કાઢી મૂકવા પડે તો હાંકી કાઢવા જોઈએ. ભાજપ માટે અંદરથી કામ કરી રહ્યા છો, તો જાવ બહારથી કામ કરો. ત્યાં તમને સ્થાન નહીં મળે, તે તમને બહાર ફેંકી દેશે.'
આગળ તેમણે કહ્યું કે 'ગઈકાલે મેં વરિષ્ઠ નેતાઓ, જિલ્લા અને બ્લોક અધ્યક્ષો સાથે મુલાકાત કરી. મારું લક્ષ્ય હતું કે તમારા દિલની વાત જાણવી અને સમજવી. આ વાતચીતમાં સંગઠન, ગુજરાતનું રાજકારણ અને અહીંની સરકારના કામકાજ સાથે જોડાયેલી ઘણી બધી વાતો સામે આવી. પરંતુ હું અહીં ફક્ત કોંગ્રેસ પાર્ટી માટે આવ્યો નથી, પરંતુ પ્રદેશના યુવાનો, ખેડૂતો, મહિલા અને નાના વેપારીઓ માટે આવ્યો છું.