ચંદ્રયાન-૩ની સફળતા બાદ ઇસરોના ચીફ એસ. સોમનાથ સહિતના વૈજ્ઞાાનિકોના દેશ અને દુનિયામાં વખાણ થયા હતા. જોકે હવે ઇસરોના ચીફ સોમનાથ એક વિવાદમાં ઘેરાયા છે. સોમનાથે પોતાની ઓટોબાયોગ્રાફીમાં ઇસરોના જ પૂર્વ ચીફ કે. સિવન પર ગંભીર આરોપ લગાવ્યો છે. સોમનાથે દાવો કર્યો છે કે સિવને મને ઇસરોના ચીફ બનતા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ આરોપો બાદ વિવાદ સર્જાયો છે.
કે. સિવન જ્યારે ઇસરોના ચીફ હતા ત્યારે ચંદ્રયાન-૨ લોંચ કરાયું હતું જે નિષ્ફળ રહ્યું હતું, જે બાદ એસ. સોમનાથ ઇસરોના નવા ચીફ બન્યા હતા અને તેમની આગેવાનીમાં ચંદ્રયાન-૩ સફળ રહ્યું હતું. સોમનાથે પોતાની ઓટોબાયોગ્રાફી 'નિલાવુ કુડિચા સિમ્હંલ'માં આરોપ લગાવ્યાની સાથે સાથે અન્ય કેટલાક દાવા પણ કર્યા છે જેમાં ચંદ્રયાન-૨ની નિષ્ફળતા અંગે પણ કેટલાક ઉલ્લેખ કરવામાં આવ્યા છે.