૨૦૨૩ માં ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ, કર્ણાટક, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને તેલંગાણા તથા મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીની સેમીફાઈનલ સમાન. આ ચૂંટણીઓ કેન્દ્રના શાસક પક્ષ ભાજપ માટે તેમજ મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ તથા પૂર્વોત્તરમાં પોતાનો પ્રભાવ મજબુત રીતે જમાવવા માટે આ ચૂંટણીઓ તૃણમૂલ માટે પણ મહત્વની બની રહેનાર છે. પૂર્વોત્તરમાં 'દીદી' પડકારરૂપ છે.
૨૦૧૯ની ચૂંટણીમાં લોકસભામાં ૩૦૩ સીટો જીતનાર ભાજપ માટે ઓછામાં ઓછી ૧૧૬ સીટો પરનું ચિત્ર તો સ્પષ્ટ થઈ શકે તેમ છે. તે પૈકી માત્ર ચાર રાજ્યો (છત્તીસગઢ, કર્ણાટક, મધ્યપ્રદેશ અને રાજસ્થાન)માંથી લોકસભાની ૯૩ બેઠકો આવે છે. તે પૈકી મ.પ્ર. અને કર્ણાટકમાં ભાજપ સરકાર છે.
રાજસ્થાનની ૨૦૦ વિધાનસભા બેઠકોમાંથી ભાજપે ૨૦૧૩ માં ૧૬૩ બેઠકો જીતી હતી. છતાં ૨૦૧૮ માં કોંગ્રેસ સામે તેનો પરાજય થયો હતો. ત્યારે ભાજપને ૭૩ સીટો મળી હતી પરંતુ તે રાજ્ય દર વખતે સરકાર બદલવા માટે જાણીતું છે.
મધ્યપ્રદેશમાં ૨૦૧૮ માં કોંગ્રેસનું ૧૫ વર્ષનું શાસન તોડી ભાજપ સરકાર રચી છે. જોકે, ૨૦૨૩ માટે કમલનાથે જબ્બર રણનીતિ તૈયાર કરી હોવાનું કહેવાય છે.