ચૈત્રી નવરાત્રીના આજના પ્રથમ દિવસે મુંબઇ શેરબજાર ખાતે એક નવો ઇતિહાસ રચાયો હતો. સામાન્ય ચૂંટણીમાં સ્થિર સરકાર રચાવાની પ્રબળ આશા તેમજ આગામી કોર્પોરેટ પરિણામોની સિઝન અપેક્ષાથી સારી રહેવાના અહેવાલો પાછળ આજે મુંબઇ શેરબજારનો સેન્સેક્સ ઇતિહાસમાં પ્રથમ વખત ૭૫૦૦૦ની સપાટી કુદાવી ગયો હતો. જો કે, ઊંચા મથાળે લાર્જકેપ શેરોમાં નફારૂપી વેચવાલીનું દબાણ આવતા તેમાં ઝડપી પીછેહઠ થવા સાથે કામકાજના અંતે બજાર નેગેટીવ ઝોનમાં બંધ રહ્યું હતું. બીજી તરફ વૈશ્વિક બજારોમાં કિંમતી ધાતુઓમાં ઉદ્ભવેલ તેજી પાછળ આજે અમદાવાદ સોનાએ રૂ. ૭૪૦૦૦ અને ચાંદીએ રૂ. ૮૨,૦૦૦ની સપાટી હાંસલ કરી હતી.