ધીમંત પુરોહિત
હજી તો મારી સવાર પડતી હતી, ત્યાં ઉદય મહુરકરનો દિલ્હીથી ફોન આવ્યો – “ધીમંત આપણો શૈલેષ રાવલ ગયો.” “હેં?” “આમ તો ત્રણેક દિવસથી કોરોના હતો અને હોમ કોરોન્ટૈન હતો. આજે સવારે અચાનક તબિયત બગડી. કોઈ હોસ્પીટલમાં બેડ ના મળતા એના વાઈફે મને ફોન કર્યો. મેં જયંતી રવિને ફોન કરીને સિવિલમાં એક બેડની વ્યવસ્થા કરાવી પણ હોસ્પિટલમાં એડમિશન મેળવવાની લાઈનમાં સ્ટ્રેચર પર જ એના શ્વાસ પુરા થઇ ગયા, આપણે એને બચાવી ના શક્યા.” ઉદયભાઈએ એકી શ્વાસે ભાંગેલ હૈયે આ કહ્યું અને મારું હૃદય એક ધબકાર ચુકી ગયું અને શૈલેષના વ્યક્તિત્વ જેવું જ એક વાવાઝોડું મગજમાં ફરી વળ્યું.
શૈલેષ રાવલ, પચીસ વરસ સુધી ઇન્ડિયા ટુડે મેગેઝીનના ગુજરાતના ફોટોગ્રાફર તરીકે રાષ્ટ્રીય આંતર રાષ્ટ્રીય કક્ષાની કામગીરી અને ઝળકતી કારકિર્દી. જો કે અમારા જેવા અનેક પત્રકાર મિત્રોના ઘરમાં બધા એને શૈલેષકાકાને ઓળખે, પોતાના પરિવારના બાળકોના પહેલા ફોટોગ્રાફર તરીકે. એ સામેથી ફોન કરીને સમયાંતરે પ્રેમથી તમારા ત્યાં આવે અને બાળકો અને પરિવારના પણ સુંદર ફોટા પાડી આપે. અમારા વ્હાલ – અવ્વલના બાળપણની પહેલી યાદગીરીઓ એમના શૈલેષકાકાના નામે જ છે.
ઉત્તર ગુજરાતના સાવ સામાન્ય શિક્ષક પરિવારનું સંતાન અને આપબળે કઠોર પરિશ્રમથી એણે રાજ્ય અને પછી રાષ્ટ્રીય કક્ષાએ મીડિયામાં પોતાનું આગવું નામ ઉભું કરેલું. એના મૂળમાં ઉડતા તીર જેવી તક ઝડપી લેવાની એની આવડત અને ધગશ પણ ખરી. બીકોમ અને જર્નાલિઝમમાં ડીપ્લોમાં કર્યા પછી એણે કામની શરૂઆત અમદાવાદના અમીન ઓટોમોબાઇલથી કરેલી. પદ્મકાંત ત્રિવેદી કહે છે એ પ્રમાણે ગુજરાત સમાચારમાં શ્રેયાંશભાઈએ સૌપ્રથમવાર પોતાના પત્રકારોને સ્કુટર આપ્યા, તે સંયોગથી અમીન ઓટોમોબાઇલમાંથી લેવાના હતા. શૈલેષ પદ્મ્કાન્તભાઈની આંગળી પકડીને ગુજરાત સમાચારમાં પ્રવેશ્યો. બીજો સંયોગ એ કે હું પણ ગુજરાતી પત્રકારત્વમાં કામ કરવા એ જ સમયે ગુજરાત સમાચારમાં પ્રવેશ્યો.
મારા અને શૈલેષનાં પત્રકારત્વની શરૂઆત એક સાથે થયેલી. અમારું પહેલું એસાઈમેંટ ૧૯૯૦માં ચીમનભાઈ પટેલની ફેરકુવામાં મેઘા પાટકર સામેની ઐતિહાસિક નર્મદા રેલી. હું રિપોર્ટર અને શૈલેષ મારો ફોટોગ્રાફર. હું તો મારા સ્વભાવ મુજબ વરસેકથી વધુ ગુજરાત સમાચારમાં ટક્યો નહિ અને બીજા બે એક છાપા અને ગુજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ વિભાગને શરુ કરી, આખરે એ સમયના નવા સવા ટીવી પત્રકારત્વમાં પ્રવેશ્યો. અને શૈલેષ એના સ્વભાવ મુજબ ઝનૂનપૂર્વક ત્યાં જ ટકી રહ્યો. એ સંઘર્ષ સામાન્ય નહોતો. એના સાક્ષી ભવેન કચ્છી યાદ કરે છે એમ એ જમાનો ફોટોગ્રાફીના બેતાજ બાદશાહો ઝવેરીલાલ મહેતા, જી એચ માસ્ટર અને અનુભાઈનો હતો. શૈલેષે ત્રણ જણાની એ ભીડમાં કોણીઓ મારી મારીને પોતાના માટે જગ્યા જ ન કરી, એક મજબુત સ્થાન પણ ઉભું કર્યું અને બીજા નવોદિતોને પણ ઘુસવા પુરતી જગ્યા કરી અને કેટલાકને તો રસ્તો પણ દેખાડ્યો.
શૈલેષની કેરિયરમાં બીજો મહત્વનો વળાંક ઉદય મહુરકરનાં પરિચયથી આવ્યો જે એને ઇન્ડીયા ટુડેના રાષ્ટ્રીય પ્લેટફોર્મ પર લઇ ગયો. શૈલેષના સ્વભાવની કેટલીક વિશેષતાઓ પણ હતી. સ્વાભાવિક જ ઇન્ડીયા ટુડેનો એનો પગાર ગુજરાતના કોઈ પણ છાપાના ફોટોગ્રાફરથી વધુ હતો. આપણો શૈલેષ પહેલા પગારની સ્લીપ લઈને એના પહેલા તંત્રી શ્રેયાંશ શાહ પાસે ગયો અને ગર્વથી સ્લીપ બતાવીને કહ્યું, કે ગુજરાતના મોટામાં મોટા ફોટોગ્રાફરથી વધારે મોટો મારો પગાર છે. શ્રેયાંશભાઈએ સ્લીપ પર નજર નાખ્યા વગર શૈલેષને કહ્યું, કે મને તો બતાવી પણ આ સ્લીપ ઝવેરીલાલને ના બતાવતા!
મારી અને શૈલેષની વચ્ચે કોઈ અજબનો ઋણાનુબંધ હશે. ફરીએકવાર અમે ભેગા થયા. મેં આજતક જોઈન કર્યું. અમારી અને ઇન્ડીયા ટુડેની એક જ ઓફીસ. બે દાયકા અમે સાથે એક જ ઓફિસમાં સાથે કામ કર્યું. અમારા બંનેનો કાયમી પ્રેમ અને ક્યારેક ક્યારેક્ના ખટમીઠા ઝગડા – એની આજતકનાં ગોપી મણીયાર, રાજીવ પટેલ, ઉજ્જવલ ઓઝા,અને સાજીદ આલમ સહિત ઇન્ડીયા ટુડેનાં પણ ઉદય મહુરકર સહિત બધા જ મિત્રો મઝા લેતા. આજે જ સતીશ મોરી મને ફોન પર કહેતા હતા, કે શૈલેષ કાયમ મને તમારી ફરિયાદ કરતો એમાં એની તમારા પ્રત્યેની મીઠી ઈર્ષ્યા દેખાતી. ઝગડી શકાય એવા મિત્રો પણ હવે કેટલા રહ્યા છે?
હું અને મારો કેમેરામેન રાજુ સોની તથા ઉદય મહુરકર અને એમનો ફોટોગ્રાફર શૈલેશ રાવલ આજતક અને ઇન્ડિયા ટુડેની સ્ટોરીઓ માટે ગુજરાતના ખૂણે ખૂણે ફર્યા છીએ. એટલે જ તો શૈલેષનાં અવસાનથી વોટ્સ એપમાં ગુજરાતભરની પત્રકાર આલમમાં આઘાતની લાગણી છે. આ લાગણી ગુજરાતથી દિલ્હી સુધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ફોન પર શૈલેષના દીકરા ધ્વનીતને સાંત્વના પાઠવી. નરેન્દ્ર મોદીના સર્વ શ્રેષ્ઠ ફોટા શૈલેષ રાવલે પાડ્યા છે. ગુજરાતની એકે એક ઘટનાના અમે સાથે સાક્ષી રહ્યા છીએ. ધરતીકંપ હોય, હુલ્લડો કે રાજકીય ઉઠાપટકો – અમારું પત્રકારત્વ સાથે સાથે ચાલ્યું છે. ૨૦૦૫માં હું ફરી એકવાર આજતક માટે ડોક્યુમેન્ટરી બનાવવા કૈલાસ માનસરોવર ગયો ત્યારે મારી સાથે ઉદય મહુરકર, શૈલેષ રાવલ, સાજીદ આલમ, અરવિંદ પંડ્યા અને ભાવનાબેન દવે પણ હતા. એમાં મને પહેલીવાર શૈલેષનાં પરદુઃખભંજન સ્વભાવનો પણ પરિચય થયો.
શૈલેષનો ઇન્ડિયા ટુડે સાથેનો લાંબો સંબંધ પાંચેક વરસ પહેલા પૂરો થયો. હજી એની નિવૃત્તિની ઉંમરની તો વાર હતી. આ સમયે એક નવા જ શૈલેષનો દુનિયાને પરિચય થયો. ઈમેજમેકર શૈલેષ રાવલ. હંમેશા નોખા ચીલે ચાલનારા શૈલેષે ફોટોગ્રાફર તરીકે પણ દિવ્ય ભાસ્કરમાં ફોટો નિબંધોથી આગવી ઓળખ ઉભી કરી. ફૂલછાબમાં કોલમ લેખક તરીકે ગૌતમ અદાણીથી અને પંકજ પટેલથી માંડીને અજાણ્યા રત્નોને પણ આગવી ભાષા અને તસવીર સાથે લોકો સમક્ષ રજુ કર્યા. કેટલા બધા પુસ્તકો કર્યા. આશા રાખીએ, આ બધાની સાથે શૈલેષે પાડેલા ગુજરાતના છેલ્લા ત્રીસ વર્ષના આર્કાઈવાલ ફોટાનો સદુપયોગ થાય. શૈલેષનું સ્વપ્ન હતું, ગુજરાતમાં ફોટો જર્નાલીઝમની યુનીવર્સીટી શરુ કરવી. એણે કોલેજ કક્ષાએ એકલે હાથે પ્રયત્ન કર્યો પણ સફળતા ના મળી. જો કે નિષ્ફળતાથી હારે એ શૈલેષ નહિ. એણે હાર્યા વિના થાક્યા વિના પ્રયાસો ચાલુ રાખ્યા. એ કહેતો, “હું તો ખેડૂત છું, ખેતી કર્યે રાખું છું.” શૈલેષે હકીકતમાં એના વતનમાં એક ખેતર પણ ખરીદેલું અને નિયમિત ત્યાં ખેતી કરવા જતો. સંઘર્ષના આ આખરી કાળમાં એના માટે સંતોષની મોટામાં મોટી વાત હતી, દીકરા – દીકરીના સમયસર લગ્ન અને દીકરા ધ્વનીતને પાયલોટ બનાવ્યો તે હતી. ધ્વનીતે પોતે કોક્પીટમાં બેસીને માં-બાપને ચાર્ટર્ડ ફ્લાઈટમાં હવાઈ સફર કરાવી એ આપણા શૈલેષ રાવલના જીવનની સર્વોચ્ચ ક્ષણ હતી.
જીવનમાં કોઈ દિવસ લાઈનમાં ના ઉભા રહેલા ખુમારીવાળા ફોટો જર્નાલીસ્ટ શૈલેષ રાવલે અંતિમ સમયે અમદાવાદની સિવિલ હોસ્પીટલમાં દાખલ થવા બે કલાક સ્ટ્રેચર પર લાઈનમાં વોર્ડની બહાર રાહ જોવી પડી અને ઓક્સીઝન વગર કમોત બાદ ગોતાના સ્મશાનગૃહમાં ત્રણ કલાક નનામીમાં બંધાઈને શબોની લાઈનમાં રાહ જોવી પડી. જ્યાં સુધી હું શૈલેશ રાવલને ઓળખુ છું, એનું માથું ગુસ્સાથી ફાટ ફાટ થતું હશે. ઉપર જઈને એણે સૌથી પહેલા તો ભગવાનને રિમાન્ડ પર લીધા હશે – જો ભગવાન જેવું કઈ હશે તો.