ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે, જેને પગલે વિવિધ સરવે એજન્સીઓ દ્વારા એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા છે. આ એક્ઝિટ પોલ ગુજરાત, હિમાચલ પ્રદેશને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં મોટા ભાગના એક્ઝિટ પોલમાં દાવો છે કે ગુજરાતમાં ફરી ભાજપની સરકાર બનશે. જ્યારે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખરાખરીની ટક્કર જોવા મળી રહી છે.
ગુજરાતના મોટા ભાગના એક્ઝિટ પોલમાં ભાજપને ૧૧૦થી વધુ બેઠકો આપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસને ૪૦થી ૫૦ બેઠકો મળવાનું અનુમાન છે. તેવી જ રીતે આમ આદમી પાર્ટીને એકથી ૧૦ જેટલી બેઠકો મળશે તેવો દાવો એક્ઝિટ પોલમાં કરવામાં આવ્યો છે. અન્ય અપક્ષ ઉમેદવારો પણ ચારથી પાંચ બેઠકો જીતી શકે છે.
જોકે હિમાચલ પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. ભાજપને માત્ર થોડી જ બેઠકો વધુ મળશે તેવો અંદાજ આ એક્ઝિટ પોલમાં આપવામાં આવ્યો છે. જેમ કે એક્ઝિટ પોલના દાવા મુજબ હિમાચલમાં ભાજપને ૩૦થી ૩૫ જ્યારે કોંગ્રેસને ૩૦ જેટલી અને આમ આદમી પાર્ટીને શુન્ય બેઠક મળી શકે છે. અન્યોના ફાળે ચારથી પાંચ બેઠક જઇ શકે છે.