સેબી-સહારા રિફંડ એકાઉન્ટમાં પૈસા જમા ન કરવા બદલ સહારા ગ્રૂપને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સહારા ગ્રૂપને પૂરતી તક મળવા છતાં કોર્ટના આદેશનું પાલન કર્યું નથી. રોકાણકારોના નાણાં પરત કરવા માટે સંપત્તિ વેચવા પર કોઈ પ્રતિબંધ નથી. આ કેસમાં એક દિવસ સુધી ચાલેલી સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે કેસની આગામી સુનાવણી ગુરુવારે નક્કી કરી છે.
સહારા ગ્રૂપને સુપ્રીમ ફટકાર : જસ્ટિસ સંજીવ ખન્નાની આગેવાની હેઠળ જસ્ટિસ એમએમ સુંદરેશ અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદી સહિત ત્રણ જજોની બેંચે કહ્યું કે, 10 વર્ષથી વધુ સમય વીતી ગયો છે અને સહારા ગ્રુપે કોર્ટના આદેશનું પાલન કર્યું નથી. સેબી લગભગ 10,000 કરોડ રૂપિયાની માંગ કરી રહી છે. તમારે રકમ જમા કરાવી પડશે. અમે એક અલગ સ્કીમ ઈચ્છીએ છીએ, જેથી પ્રોપર્ટીનું વેચાણ પારદર્શક રીતે થઈ શકે. અમે આ પ્રક્રિયામાં સેબીને પણ સામેલ કરીશું.