મણિપુરમાં કુકી અને મૈતેઈ સમાજ વચ્ચે વંશીય હિંસાના બે વર્ષે આખરે મુખ્યમંત્રી એન. બિરેન સિંહે રવિવારે પદ પરથી રાજીનામું આપી દીધું છે. વિપક્ષ લાંબા સમયથી તેમના રાજીનામાની માગ કરી રહ્યું હતું. એવામાં કોંગ્રેસે સોમવારે વિધાનસત્રા સત્ર શરૂ થવાની સાથે બિરેન સિંહ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવાની તૈયારી કરી હતી. બીજીબાજુ પક્ષની અંદર પણ તેમના વિરુદ્ધ અસંતોષ વધી રહ્યો હતો. એન. બિરેન સિંહે રવિવારે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત પછી સાંજે રાજ્યપાલને રાજીનામું સોંપી દીધું હતું. આ સાથે કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજ્યમાં બધી જ સુરક્ષા એજન્સીઓને હાઈએલર્ટ પર રહેવા નિર્દેશ આપ્યા છે.