21મી સદીના વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે 'R20 રિલીજિયસ ફોરમ' નવી વૈશ્વિક પહેલ છે, જે G20 સભ્ય દેશોના ધાર્મિક નેતાઓને એકસાથે લાવે છે. 'R20' માં રશિયા, ભારત, અમેરિકા, સાઉદી અરેબિયા, ઓસ્ટ્રેલિયા, યુરોપ, આફ્રિકા વગેરે દેશોમાંથી મૂર્ધન્ય મહાનુભાવોને – ઇન્ડોનેશિયાના બાલીમાં આવકારીને મંગળવાર 2 નવેમ્બર અને બુધવાર 3 નવેમ્બર 2022 ના રોજ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ મહામહિમ જોકો વિડોડોએ વિશ્વના નેતાઓ અને ધાર્મિક વિદ્વાનોનું સ્વાગત કરીને R20 સમિટના પ્રારંભિક સત્રને સંબોધિત કર્યું, જેમાં ભારતના ત્રણ વિદ્વાનોએ સનાતન ધર્મ નું પ્રતિનિધિત્વ કર્યું હતું, મહામહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામી, બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા , શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવ ગીરી મહારાજ અને અખિલ ભારતીય ચિન્મય યુવા કેન્દ્રના નિયામક સ્વામી મિત્રાનંદ સરસ્વતી.
વિશ્વભરના 400 થી વધુ પ્રતિષ્ઠિત ધર્મના પ્રતિનિધિઓને સંબોધવા માટે મુખ્ય વક્તા તરીકે આયોજકો દ્વારા BAPS સંસ્થાના મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીને આમંત્રિત કરવામાં આવ્યા હતા.જેમાં પૂજ્ય ભદ્રેશ સ્વામીએ, 2000 માં અમેરિકામાં સંયુક્ત રાષ્ટ્રની મિલેનિયમ વર્લ્ડ પીસ સમિટમાંથી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ધાર્મિક સંવાદિતાના સંદેશનેને તેમની જન્મશતાબ્દી પર શ્રદ્ધાંજલિ આપીને શરૂઆત કરી હતી.
વેદ, ઉપનિષદો, શ્રીમદ ભગવદ્ ગીતા, ભગવાન સ્વામિનારાયણ અને ભારતીય વિચારની તથા 'ધર્મ'ની સાર્વત્રિક વ્યાખ્યાને પ્રોત્સાહિત કરી હતી, સનાતન ધર્મના સંદેશને વિશ્વમાં ફેલાવનાર BAPS સ્વામિનારાયણ સંસ્થા અને પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને, દેશ વિદેશના ઉપસ્થિત સૌ કોઈ મહાનુભાવોએ વધાવ્યું હતું.
આ પરિષદના આયોજકો પૈકી એક, યુનિવર્સિટી ઓફ ડલાસ માં રાજકીય ક્ષેત્રના રિસર્ચ સ્કોલર એવા શ્રી ટિમોથી શાહે પૂ. ભદ્રેશદાસ સ્વામીના સંબોધન માટે કહ્યું," આ પરિષદના પ્રથમ વાર્ષિક સત્રમાં એક મહાન દાર્શનિક અને શાસ્ત્રીય પરંપરામાંથી પરિષદના હાર્દરૂપ ચિંતન રજૂ કરવા આભાર."
વિશ્વના અગ્રગણ્ય મુસ્લિમ સંગઠનના અધ્યક્ષ એવા શ્રી કયાઈ હાજી યાહ્યા ચોલિલ, સ્તાકુફે પૂ. ભદ્રેશદાસ સ્વામી અને અન્ય હિન્દુ અગ્રણીઓનો આભાર માનતા જણાવ્યું," સમસ્યાઓના સમાધાન માટે આપ અમારી સાથે કટિબદ્ધ છો તે દેખાઈ રહ્યું છે. આપ ઉમદા હેતુ અને શુદ્ધ હૃદય સાથે માનવજાત અને આવનાર વૈશ્વિક સંસ્કૃતિ માટે હકારાત્મક, ઉદાત્ત પ્રદાન આપવા આવ્યા છો તે પ્રતીત થાય છે."
2023 માં આ પરિષદ ભારતમાં દિલ્લીમાં યોજાશે.