રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરોમાં આજે ફંડો, સંસ્થાકીય રોકાણકારો, રીટેલ ઈન્વેસ્ટરોએ ધૂમ ખરીદી કરતાં ત્રણ વર્ષના રેકોર્ડ ભાવ ઉછાળા સાથે શેર ઈન્ટ્રા-ડે રૂ.૨૯૦૫ની ઐતિહાસિક નવી ઊંચાઈએ પહોંચ્યો હતો. રૂ.૨૯૦૫ નવી ઐતિહાસિક ટોચ બનાવી અંતે રૂ.૧૮૫.૮૦ ઉછળીને રૂ.૨૮૯૬.૧૫ બંધ રહ્યા સાથે કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન એટલે કે રોકાણકારોની સંપતિ આજે એક દિવસમાં રૂ.૧૮,૩૩,૮૫૨ કરોડથી રૂ.૧,૨૫,૭૧૪ કરોડ જેટલી વધીને રૂ.૧૯,૫૯,૫૬૬ કરોડની ઊંચાઈએ પહોંચી ગઈ હતી. આ સાથે મુકેશ અંબાણીના રિલાયન્સ ગ્રુપ કંપનીઓનું સંયુક્ત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨૧.૬૪ લાખ કરોડનો આંક પાર કરી ગયું છે.