ગુજરાતનાં લાડકા કવિ અનિલ જોશીની બહુચર્ચિત આત્મકથા "ગાંસડી ઉપાડી શેઠની"નું વિમોચન ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પ્રકાશ શાહે શુક્રવારે સાંજના છેડે ભવન્સ ખાતે કર્યું. આ પ્રસંગે ધીમંત પુરોહિત, પ્રતિષ્ઠા પંડ્યા, વિશ્વનાથ સચદે, નિરંજન મહેતા અને રમેશ ઓઝાએ કવિ અને એમની આત્મકથાના વિવિધરંગી પાસાને વર્ણવ્યા. કવિ અનિલ જોશીએ એમના પ્રતિભાવમાં કહ્યું કે "હું કવિ કે લેખક છું જ નહી, હું તો બ્રહ્માંડમાં પથરાયેલા વિરાટ મૌનનો અનુવાદક છું."
સંજય છેલ સંચાલિત આ યાદગાર કાર્યક્રમમાં મનહર ઉધાસ, રાજેન્દ્ર ગુપ્તા, કુંદન વ્યાસ, ડો પ્રકાશ કોઠારી, સંકેત જોશી સહિત, મુંબઈ, અમદાવાદ અને બેંગ્લોરથી કવિ અનિલ જોશીનાં મિત્રો તથા પ્રશંસકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના આયોજનમાં નિરંજન મહેતાનું અમૂલ્ય પ્રદાન રહ્યું.
આ પ્રસંગે સિતાશુ યશસચંદ્ર, ગુલામ મોહમ્મદ શેખ, મલ્લિકા સારાભાઈ, પ્રકાશ કાપડિયા તથા ઉદ્ધવ ઠાકરેએ ખાસ શુભેચ્છા સંદેશ મોકલ્યા હતા, જેનું વાંચન કમલ વોરાએ કર્યું હતું.
અભિનેતા રાજેન્દ્ર ગુપ્તાએ અનિલ જોશીના હિન્દી કાવ્યોના પઠન અને મનહર ઉધાસે કવિની આત્મકથાના એક પ્રકરણના પઠન અને ગીતગાનથી સાંજને કાયમી સંભાળણું બનાવી દીધી હતી.