26 વર્ષ બાદ દિલ્હીમાં સત્તામાં આવનાર ભારતીય જનતા પાર્ટી(BJP)ના નવા મુખ્યમંત્રી નામની જાહેરાત કરી દેવાઈ છે. રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામ પર મહોર લાગી છે. ગુરુવારે (20 ફેબ્રુઆરી) રેખા ગુપ્તા રામલીલા મેદાનમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે. જણાવી દઈએ કે, 5 ફેબ્રુઆરીના રોજ મતદાન થયું હતું અને 8 ફેબ્રુઆરીના રોજ પરિણામ જાહેર થયા હતા. જેમાં ભાજપે ત્રણ વખત સરકાર બનાવનાર આમ આદમી પાર્ટીને હરાવીને 48 બેઠકો જીતી છે. જ્યારે છેલ્લી બે ચૂંટણીઓમાં ભાજપ માત્ર 3 અને 8 બેઠકો સુધી જ સીમિત રહી હતી. છેલ્લી ચૂંટણીમાં 62 બેઠકો જીતનાર AAP આ વખતે માત્ર 22 બેઠકો જ જીતી શકી છે.