રાજ્યમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટાભાગ વિસ્તારોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે, અનેક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને પૂરની સ્થિતિ ઊભી થઈ છે. આ ઉપરાંત, અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા કેટલાય લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થાળાંતર કરવામાં આવ્યાં છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજુ છ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આ મહિનાના અંત સુધીમાં સૌરાષ્ટ્રના મોટાભાગના અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું જોર રહેશે. જ્યારે આવતી કાલે (29 ઑગસ્ટે) સૌરાષ્ટ્રના 12 જિલ્લામાં કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 250 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. ચાલો જાણીએ આગામી છ દિવસ કેવો રહેશે વરસાદી માહોલ.