રાજકોટમાં શનિવારે સાંજે પાંચ વાગ્યાની આસપાસ TRP ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગ લાગી હતી. જેમાં મૃત્યુઆંક વધીને 32એ પહોંચી ગયો છે. આ દર્દનાક ઘટનાને પગલે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિતના અનેક લોકોએ શોક વ્યક્ત કર્યો હતો. ત્યારે આજે વહેલી સવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. રાજકોટના નાના મવા રોડ ઉપર સયાજી હોટલ પાસે TRP ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગની ઘટના શનિવારે સાંજે બની હતી. ચારેક વર્ષથી ફાયર એન.ઓ.સી.સહિતની મંજુરી વગર ધમધમતો બે માળનો 'ટીઆરપી ગેમ ઝોન'માં માનવીય બેદરકારીના કારણે આગ લાગવા સાથે પલકવારમાં જ વિશાળકાય ડોમ સળગી ઉઠતા 32 નિર્દોષ લોકો જીવતા સળગીને કોલસાની જેમ ભડથું થઈ ગયા હતા. રાજ્ય સરકારે ગેમ ઝોન આગની ઘટનાની તપાસ માટે SIT તપાસના આદેશ આપ્યા છે. આ માટે 5 અધિકારીઓની SIT ટીમ બનાવવામાં આવી છે. વરિષ્ઠ IPS અધિકારી સુભાષ ત્રિવેદીના નેતૃત્વમાં 5 અધિકારીઓની ટીમ કેસની SIT તપાસ કરશે.