ગયા મહિને તા. 25મી મેના રોજ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં બનેલા આગ કાંડમાં 28 નિર્દોષોના મોત થયા છે. આ દુર્ઘટનામાં ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી સરકાર અને સરકારી તંત્ર સામે ખટલો શરૂ કર્યો છે. આજે તા. 6 જૂનના રોજ આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી હતી.
હાઈકોર્ટના જ્જ બીરેન વૈષ્ણવ અને જજ દેવેન દેસાઈની બેન્ચ સમક્ષ આજે સુનાવણી ચાલી હતી. રાજકોટ મહાનગર પાલિકા તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી અને એડિશનલ એડવોકેટ જનરલ મનીષા શાહ હાજર થયા હતા. રાજકોટના ફાયર ઓફિસરો પણ હાજર હતા.
કોર્ટે સીટની રચના અંગે પણ ટીપ્પણી કરતા કહ્યું હતું કે, દુર્ઘટનાઓ બને બાદમાં સીટની રચના થાય છે, પરંતુ દુર્ઘટનાઓ અટકતી નથી. સીટે ફાઈનલ રિપોર્ટ રજૂ કરવા કોર્ટ સમક્ષ બે મહિનાનો સમય માંગ્યો હતો પણ સરકારે 28 જૂન સુધીનો સમય આપ્યો છે. હવે કોર્ટમાં આગામી સુનાવણી 13 જુને હાથ ધરાશે.