દેશના ઘણાં રાજ્યોમાં ચોમાસું બરાબરનું જામ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મુંબઈમાં સતત વરસાદ પડવાના કારણે ઘણાં રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. જ્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજાનો કહેર વચ્ચે આઠ લોકોના મોત નિપજ્યા છે. તો રાજસ્થાનમાં પણ ઘણાં શહેરો જળમગ્ન થયા જનજીવન ખોરવાઈ ગયું છે. ઘણાં રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાના કારણે ઠેર-ઠેર પાણી ભરાયાના અહેવાલો મળ્યા છે, તો કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ વચ્ચે હવામાન વિભાગે આગાહી કરતા અનેક કોલેજો અને શાળાઓ બંધ રાખવાની નોબત આવી છે. હાલ મળતા અહેવાલો મુજબ મુંબઈમાં હજુ પણ સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.