દિલ્હી-NCR અને ઉત્તર-પશ્ચિમ ભારતના ઘણા રાજ્યોમાં આગામી 2 દિવસ હવામાન ખુશનુમા રહેશે. IMDના વૈજ્ઞાનિક ડૉ. નરેશ કુમારે કહ્યું કે, ઈરાન પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પશ્ચિમ હિમાલય વિસ્તારમાં આગામી 3-4 દિવસ સુધી વરસાદની સ્થિતિ યથાવત રહેશે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હી-NCRમાં આગામી 2 દિવસ સુધી હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. ત્યારબાદ તાપમાનમાં વધારો થશે. જો કે ચોમાસું જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં આવવાની પણ શક્યતા છે. IMD મુજબ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું લક્ષદ્વીપ અને દક્ષિણ અરબી સમુદ્રના ભાગોમાં આગળ વધ્યું છે.
આ વિસ્તારોમાં પડશે વરસાદ
IMDએ રવિવારે જારી કરાયેલ એલર્ટમાં જણાવાયું છે કે, રાજસ્થાન, છત્તીસગઢ, ઓડિશા, આંદામાન અને નિકોબાર ટાપુઓ, કેરળ, માહે, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમ, તેલંગાણા, રાયલસીમા અને કર્ણાટકમાં અલગ-અલગ સ્થળોએ વીજળીના ચમકારા, ભારે પવન, ગાજવીજ સાથે છાંટા પડવાની સંભાવના છે. ઉપરાંત આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, કોંકણ અને ગોવામાં વરસાદની સંભાવના છે.