આજે (29મી સપ્ટેમ્બર) વડોદરામાં વહેલી સવારે વાદળછાયા વાતાવરણ બાદ બપોરે વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ ત્રાટક્યો હતો. વડોદરા શહેરમાં પાંચ ઈંચ જેટલો વરસાદ પડતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. કારેલીબાગ, રાવપુરા, સયાજીગંજ, અલકાપુરી સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને અસર થઈ હતી. આજવા સરોવર, પ્રતાપપુરા સરોવર, વિશ્વામિત્રી નદીનાં જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરીજનોને ફરી વિશ્વામિત્રીના પૂરનો ડર સતાવી રહ્યો છે. લોકોએ પોતાની કાર સહિતના વાહનો વરસાદને કારણે શહેરના પુલો પર પાર્ક કરી દીધા છે. કેટલાક વિસ્તારમાં વરસાદ રોકાયા બાદ પાણી ભરાયેલા છે. હાલ, સમાચાર મળી રહ્યા છે કે, ઉપરવાસમાં વરસાદ બંધ થયો છે.