નાગપુર ગ્રામીણ પોલીસે નકલી દવાઓના વિતરણમાં સંડોવાયેલા ત્રણ વ્યક્તિની ધરપકડ કરી નકલી દવાઓના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે પકડેલા ત્રણમાંથી એક વિજય શૈલેન્દ્ર ચૌધરીની થાણે જિલ્લાના મીરારોડથી જ્યારે રમણ અને રોબીન તનેજાની ઉત્તર પ્રદેશના સહારનપુરથી ધરપકડ કરી હતી.
નકલી દવા સપ્લાય કરવાનું આ રેકેટ સમગ્ર મહારાષ્ટ્ર અને પાડોશી રાજ્યો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ અને હરીયાણા સુધી ફેલાયું હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ બાબતે વધુ વિગત આપતા પોલીસે જમાવ્યું હતું કે આરોપીઓએ 'લેબ એવરટચ બાયો રેમેડીસ' અને મેસર્સ જીંકસ ફાર્માકોન એલએલપી જેવી બિન-અસ્તિત્વ ધરાવતી કંપનીઓના બ્રાન્ડ-નેમ હેઠળ સિપ્રોફલોક્સેસીન, લેવોફલોકસેસીન, એમાક્સિલિન, સિફિકઝાઇમ અને એઝિથ્રોમાયસીન જેવી પ્રિસ્ક્રાઇબ્ડ મેડિસિનની નકલી આવૃત્તિઓ માર્કેટમાં સપ્લાય કરી હતી.