તુર્કીમાં રશિયાના રાજદૂત આંદ્રે કાર્લોફની હત્યાથી મનમાં પ્રશ્ન થાય કે આખરે રશિયન રાજદૂતની હત્યા તુર્કીના પોલીસ અધિકારીએ કેમ કરી ? મૂળ કારણ લાગે છે સિરિયાની કટોકટીમાં તુર્કી અને રશિયા વચ્ચેના હિતોનો ટકરાવ. જરાક ઉંડાણમાં જઈએ. સિરિયામાં ચાલતા ગૃહયુધ્ધમાં રશિયા સિરિયાના રાષ્ટ્રપતિ બશર-અલ-અસદની પડખે રહ્યું, તેણે વિદ્રોહીઓની કચડી નાખવામાં બશરને મદદ કરી. રશિયાની આ કાર્યવાહીથી તુર્કીની મોટાભાગની જનતામાં નારાજગી પ્રવર્તી. તુર્કીમાં વિરોધ –પ્રદર્શન પણ થયા. એટલે પ્રાથમિક તારણ એવું કાઢી શકાય કે રાજદૂતની હત્યા માટે આ અસંતોષ જ જવાબદાર હશે.
બીજો સૌથી મહત્વનો મુદ્દો એ કે શા માટે આ રાજદૂતની જ હત્યા થઈ. કારણ આંદ્રેની પુતિન સાથેની નિકટતા. રશિયાના રાજદૂત આંદ્રે કાર્લોફ રશિયન રાષ્ટ્રપતિ પુતિનના મધ્ય પૂર્વના દેશોના પ્રવાસોમાં હંમેશા સાથે રહેતા હતા. રશિયાએ છેલ્લા કેટલાક વર્ષોમાં મધ્ય પૂર્વના દેશોમાં પોતાનો પ્રભાવ વધારવા કોશિષ કરી, તેમાં આંદ્રે કાર્લોફની મહત્વની ભૂમિકા રહી હતી. આ હત્યાના પગલે રશિયા અને તુર્કીમાં સંબંધો બગડે તેવી શક્યતા છે.