ભારતે ઇંગ્લેન્ડને પાંચમી અને આખરી ટેસ્ટમાં એક ઇનિંગ અને ૭૫ રનથી હરાવતા શ્રેણી ૪-૦ થી જીતીને આજે ઐતિહાસિક સીમાચિહન મેળવ્યું હતું. ઇંગ્લેન્ડને આ માર્જિથી ભારતે ૮૪ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત હરાવ્યું હતું. મેન ઓફ ધ મેચ કરૃણ નાયર (૩૦૩) રહ્યો હતો. જયારે આજનો હીરો જાડેજા (૪૮/૭) રહ્યો હતો.
ક્રિકેટ ચાહકોએ કે ઇંગ્લેન્ડે પાંચમી અને આખરી ટેસ્ટના આખરી દિવસે તેઓનો લંચે બીજી ઇનિંગમાં વિના વિકેટે ૯૭ રનના સ્કોર હોઇ મજાથી ભોજન લીધું હશે કેમ કે મેચ ડ્રો જશે તેની લગભગ ખાતરી હશે. લંચ પછી તરત જ ટુંકા ગાળામાં બે વિકેટ પડી તો પણ સવા ચાર દિવસથી રનના ઢગલા પુરવાર થયેલી ચેપોક સ્ટેડિયમની પીચ જોતા ઇંગ્લેન્ડના કેમ્પમાં આ વખતે પણ કોઇ તનાવ નહોતો. હા, વિના વિકેટે ૧૦૩ રન પછી બે વિકેટ પડતા ભારતીય ખેલાડીઓ અને વિશેષ કરીને જોરદાર લય મેળવી રહેલા સ્પિનર જાડેજા અને કેપ્ટન કોહલી મુછમાં મલકી રહ્યા હતા.
બન્યું પણ એવું અને ઇંગ્લેન્ડનો નાટકીય ધબડકો શરૃ થયો. ખરેખર તો આટલી સારી શરૃઆત પછી તેઓ કેમ હાર્યા તે જ કોયડો છે. જાડેજાએ ઇંગ્લેન્ડની ૧૦ માંથી ૭ વિકેટ ખેરવી અને ભારત પાંચમી ટેસ્ટ સાવ અણધારી રીતે એક ઇનિંગ અને ૭૫ રનથી અને ટેસ્ટ શ્રેણી ૪-૦ થી જીત્યું. જાડેજાએ તેની કારકિર્દીનો શ્રેષ્ઠ બોલિંગ દેખાવ કરતા ૪૮ રનમાં ૭ વિકેટ ઝડપી હતી. ઇંગ્લેન્ડ ભારતના પ્રવાસે આવતા પહેલા બાંગ્લાદેશમાં પણ બીજી અને આખરી ટેસ્ટમાં આ જ રીતે આખરી બે સેશનમાં ઓલઆઉટ થઈ તેમના ચાહકો માટે આઘાતજનક રીતે હાર્યું હતું. ત્યારે તેઓ વિના વિકેટે ૧૦૦ રનથી ૧૬૪માં ઓલઆઉટ થયા હતા.