વનતારામાં 2,000થી વધુ પ્રજાતિના 1.5 લાખથી વધુ રેસ્ક્યુ કરાયેલા, નામશેષ થઈ રહેલા પ્રાણીઓ નિવાસ કરે છે.
વડાપ્રધાને સેન્ટર ખાતેની વિવિધ સુવિધાઓને નિહાળી. અહીં પુનર્વસન કરી રહેલા વિવિધ પ્રજાતિઓના પ્રાણીઓ સાથે તેમણે નિકટતાથી સંવેદ કેળવ્યો.
વડાપ્રધાને વનતારાની વન્યજીવ હોસ્પિટલની મુલાકાત લીધી અને એમઆરઆઈ, સીટી સ્કેન, આઈસીયુ સહિતની સુવિધાઓથી સજ્જ પશુ ચિકિત્સા પ્રણાલી નિહાળી. આ હોસ્પિટલમાં વાઈલ્ડલાઈફ એનેસ્થેસિયા, કાર્ડિયોલોજી, નેફ્રોલોજી, એન્ડોસ્કોપી, ડેન્ટિસ્ટ્રી, ઈન્ટરનલ મેડિસિન વગેરે સહિતના અનેકવિધ ડિપાર્ટમેન્ટ આવેલા છે.
અહીં તેમણે એશિયાટિક સિંહબાળો, સફેદ સિંહના બચ્ચાં, જવલ્લે જ જોવા મળતાં અને નામશેષ થઈ રહેલા ક્લાઉડેડ લેપર્ડના બચ્ચાં, હેણોતરા (કારાકલ)નાં બચ્ચાં સહિતના વિવિધ પ્રજાતિઓના પ્રાણીઓને ભોજન કરાવ્યું હતું અને તેમની સાથે રમ્યા હતા.
વડાપ્રધાન મોદીએ જે સફેદ સિંહના બચ્ચાંને ખવડાવ્યું હતું તેનો જન્મ આ સેન્ટરમાં જ થયો હતો અને તેની માતાને રેસ્ક્યુ કરીને વિશેષ કાળજી માટે વનતારા લાવવામાં આવી હતી.
હેણોતરાની પ્રજાતિ એકસમયે ભારતમાંથી લુપ્ત થઈ ચૂકી હતી અને હવે તે જવલ્લે જ જોવા મળે છે. વનતારામાં, હેણોતરાના સંવર્ધન માટે તેને બંધ જગ્યામાં પ્રજનન કાર્ય માટે રખાય છે અને પછી બચ્ચાં મોટા થાય એટલે તેમને વનમાં મુક્ત કરી દેવાય છે.
વડાપ્રધાને હોસ્પિટલના એમઆરઆઈ રૂમની મુલાકાત લઈને એશિયાટિક સિંહ પર થઈ રહેલા એમઆરઆઈને નિહાળી હતી. તેમણે હાઈવે પર કારની અડફેટથી ઘવાયા બાદ રેસ્ક્યુ કરીને અહીં લવાયેલા એક દીપડાનો જીવ બચાવવા થઈ રહેલી સર્જરીને પણ ઓપરેશન થિએટરમાં જઈને જોઈ હતી.
રેસ્ક્યુ કરીને આ સેન્ટરમાં લવાયેલા પ્રાણીઓને આબેહૂબ કુદરતી વાતાવરણ જેવા સ્થળે જ રાખવામાં આવે છે. આ સેન્ટરમાં એશિયાટિક સિંહ, સ્નો લેપર્ડ, એક-શિંગા ગેંડા સહિત ઘણા પ્રાણીઓના સંવર્ધન માટે વિવિધ પહેલો આદરવામાં આવી છે.
વડાપ્રધાને ઘણાં ખતરનાક પ્રાણીઓ સાથે નિકટતાથી સમય વીતાવ્યો હતો. તેઓ ગોલ્ડન ટાઈગર, સર્કસમાંથી રેસ્ક્યુ કરીને લાવવામાં આવેલા 4 સ્નો ટાઈગર, જેઓ ભાઈઓ છે અને જેમને સર્કસમાં વિવિધ કષ્ટદાયક કરતબો કરાવવામાં આવતા હતા, સફેદ સિંહ તથા સ્નો લેપર્ડ સામે ફેસ-ટુ-ફેસ બેઠા હતા.
અગાઉ એક સ્થળે પાલતુ પ્રાણીઓ તરીકે રખાયેલા ચિમ્પાન્ઝીઓ સાથે સમય વીતાવતા વડાપ્રધાને ઓકાપી નામના બચ્ચાંની પીઠ થાબડી હતી, ભેટ્યા હતા અને એક ઓરાંગઉટાંગ પ્રજાતિનાં બચ્ચાં સાથે તો પ્રેમથી રમ્યા પણ હતા જેને અગાઉ સાંકડા પિંજરામાં પૂરી રખાયું હતું. આ ઉપરાંત તેમણે પાણીમાં રમી રહેલા હિપોપોટેમસને નજીકથી નિહાળ્યો હતો અને સાથે જ મગરને પણ જોયો હતો, ઝિબ્રાને સંગ ચહલકદમી કરી હતી તેમજ જિરાફ તથા ગેંડાના બચ્ચાંને ભોજન કરાવ્યું હતું. આ ગેંડાના બચ્ચાંની માતાનું આ સુવિધા ખાતે મૃત્યુ થતાં તે અનાથ થઈ ગયું હતું.
તેમણે વિશાળ અજગર, અનોખા બે-મોઢિયા સાપ, બે-મોઢિયા કાચબા, તપિર, ખેતરમાં તરછોડાયેલા અને પાછળથી ગ્રામજનોને મળતાં રેસ્ક્યુ કરાયેલા દીપડાના બચ્ચાં, જાયન્ટ ઓટર, બોંગો (કાળિયાર), સીલ્સને પણ જોયા હતા. તેમણે હાથીઓને જકુઝીની મજા માણતા નિહળ્યા હતા.
આ હાઈડ્રોથેરાપી પૂલ્સમાં આર્થરાઈટિસ તથા પગની બીજી તકલીફોથી પીડાતા હાથીઓને ઝડપથી રિકવરીમાં મદદ મળે છે અને તેમનું હલન-ચલન સુધરે છે.
તેમણે હાથીઓની હોસ્પિટલની કામગીરીને પણ નિહાળી હતી, જે આખી દુનિયામાં આવી સૌથી મોટી હોસ્પિટલ છે.
તેમણે રેસ્ક્યુ કરીને સેન્ટરમાં લવાયેલા સંખ્યાબંધ પોપટને પણ મુક્ત કર્યા હતા. વડાપ્રધાને સેન્ટર ખાતેની વિવિધ સુવિધાઓનું સંચાલન કરી રહેલા તબીબો, સપોર્ટીંગ સ્ટાફ તથા કામદારો સાથે પણ વાર્તાલાપ કર્યો હતો.