વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (શનિવાર) ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે. વડાપ્રધાનના હસ્તે આવતીકાલે (રવિવાર) દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાઓ 4,000 કરોડ રૂપિયાથી વધુના કુલ 11 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. ત્યારે આજે વડાપ્રધાન મોદી જામનગર પહોંચ્યા હતા, જ્યાં તેમણે રોડ શો પણ કર્યો હતો અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. જામનગરવાસીઓએ વડાપ્રધાન મોદીનું ઉષ્માભેર સ્વાગત્ કર્યું હતું. લોકોએ વડાપ્રધાન મોદીના કાફલા પર પુષ્પવર્ષા કરી હતી. સાથે લોકોએ મોદી-મોદીના નારા પણ લગાવ્યા હતા. મહત્વનું છે કે વડાપ્રધાન મોદી આજે જામનગરમાં રાત્રી રોકાણ કરવાના છે.