હાલમાં જ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં કેટલાક તોફાની તત્વોએ જાહેર રોડ પર આતંક મચાવ્યો હતો અને રાહદારીઓ પર હુમલા કર્યા હતા. ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ રાજ્યભરમાંથી આવા તોફાની તત્વો સામે રોષ જોવા મળ્યો હતો. ત્યારે હવે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા તેમજ અસામાજીક ગુંડા તત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરી તેમની પર સદંતર અંકુશ મેળવવા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે મહત્વનો આદેશ આપ્યો છે. DGP વિકાસ સહાયે તમામ પોલીસ કમિશ્નર, રેન્જ વડા અને પોલીસ અધિક્ષક સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદની બેઠક યોજી હતી. જેમાં આગામી 100 કલાકની અંદર રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા કડક સૂચના આપવામાં આવી છે.