અંબાજીમાં પરંપરાગત મોહનથાળનો પ્રસાદ બંધ કરી ચિક્કીનો પ્રસાદ આપવાના નિર્ણય બાદ સમગ્ર ગુજરાતમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ભક્તોની આસ્થા સમાન મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા નેતા, પક્ષો સહિતના લોકો વિરોધના મેદાનમાં આવી ગયા છે. ચારેકોરથી ચિક્કીનો પ્રસાદ વહેંચવાનો નિર્ણય પરત લેવા તેમજ મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવાની માંગ ઉઠી રહી છે, ત્યારે VHPએ પણ વિરોધમાં જોડાઈ છે. આ ક્રમમાં વિએચપીએ યાત્રાધામ શક્તિપીઠ અંબાજીમાં પરંપરાગત મોહનથાળ પ્રસાદ બંધ કરવાના વિરોધમાં 11મીએ શનિવારે અંબાજીમાં ધરણાં કરવાની જાહેરાત કરી છે. ઉપરાંત બીજા દિવસે એટલે કે 12મીએ રવિવારે રાજ્યના તમામ માતાજીના મંદિરોએ સ્તુતિ કરી મોહનથાળ પ્રસાદ વહેંચવાનો પણ નિર્ણય કર્યો છે.