ભારત હવે રોકેટ-ફોર્સ બનાવી રહ્યું છે તે માટે 'પ્રલય' મિસાઇલ્સ સીસ્ટીમ તૈયાર કરે છે.
ચીન અને પાકિસ્તાન તરફથી ભારત ઉપર હંમેશાં ખતરો રહે છે, તેને પહોંચી વળવા સામે ભારતે એવી તૈયારીઓ કરી છે કે બંને એક સાથે પણ હુમલો કરે તો પણ તેને પહોંચી વળી શકાય. આ માટે ડીફેન્સ મીનીસ્ટ્રીએ ૭,૫૦૦ કરોડથી વધુ ખર્ચે બેલાસ્ટિક મિસાઇલ 'પ્રલય'નો ૨૫૦ યુનિટ માટે ઓર્ડર આપ્યો છે.
આ 'પ્રલય' મિસાઇલની વિશિષ્ટતા તે છે કે તે ૧૫૦થી ૫૦૦ કીમી સુધી અચુક પ્રહાર કરી શકે તેમ છે. ૩૫૦ થી ૭૦૦ કી.ગ્રા. જેટલું વજન પણ લઈ જઈ શકે તેમ છે. ડીઆરડીઓએ 'પૃથ્વી' અને 'પ્રહાર' મિસાઇલ સીસ્ટીમ્સનું સંયોજન કરી આ સીસ્ટીમ રચી છે. તેનો કમાન્ડ નવરચિત રોકેટ ફોર્સના હાથમાં રહેશે.
બ્રહ્મોઝ સુપર સોનિક ક્રૂઝ મિસાઇલ જેવું જ આ બીજું સુપર સોનિક મિસાઈલ બની રહેશે. આ મિસાઇલ અરૂણાચલ પ્રદેશમાં અને લડાખમાં ચીની સેના સામે સૌથી વધુ ઉપયોગી છે. તેવી જ રીતે કાશ્મીરથી કચ્છ સુધીની પાકિસ્તાન સાથેની સરહદ ઉપર પણ તે ગોઠવવામાં આવશે.