લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાંથી માત્ર એક જ બેઠક મેળવનારી અજિત પવારના વડપણ હેઠળની એનસીપીએ કેન્દ્રમાં મંત્રીપદથી સાવ વંચિત રહેવું પડયું છે. અજિત પવાર જૂથે પોતાના રાજ્યસભાના સાંસદ પ્રફુલ્લ પટેલ માટે કેબિનેટ કક્ષાનું મંત્રીપદ માગ્યું હતું. પરંતુ, ભાજપે એનસીપીના એક જ સાંસદ ચૂંટાયા હોવાથી બહુ બહુ તો રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રીપદની ઓફર જ આપી હતી. પ્રફુલ્લ પટેલે પોતે ભૂતકાળમાં યુપીએ સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા હોવાથી નીચલો દરજ્જો નહિ જ સ્વીકારે એવી મમત સેવતાં આખરે અજિત જૂથે હાલ નરેન્દ્ર મોદી પ્રધાનમંડળમાં નહિ જોડાવાનું નક્કી કર્યું હતું. એનસીપી આ મુદ્દે નારાજ હોવાના અહેવાલો ફગાવતાં અજિત પવારે કહ્યું હતું કે આગામી મહિનાઓમાં અમારા રાજ્યસભાના સભ્યો વધવાના છે ત્યારે અમે હવે પછીનાં વિસ્તરણમાં કેબિનેટ કક્ષાનંુ પ્રધાનપદ માગશું.