રાજકોટમાં રૂ।.૨૦૩૩ કરોડના લોકાર્પણો સાથે રેસકોર્સમાં યોજાયેલી જંગી મેદનીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારના નવ વર્ષના વિકાસકામોની ઝલક સાથે લોકોનું જીવન આસાન અને બહેતર બનાવ્યું કહીને મોંઘવારીના મુદ્દે કહ્યું વિશ્વમાં મોંઘવારી ૨૦-૨૫ ટકાના દરે વધી છે, કેન્દ્રમાં એ લોકો (વિપક્ષ) શાસન પર હતા ત્યારે મોંઘવારી દર ૧૦ ટકા હતો પણ અમે મોંઘવારીને કાબુમાં રાખી છે. જો કાબુમાં ન રાખી હોત તો આજે દૂધ એક લિટરના રૂ.૩૦૦ અને દાળ એક કિલોના રૂ।.૫૦૦ના ભાવે વેચાતા હોત.મોબાઈલ ડેટા સસ્તો કર્યો અને જો જુની સરકાર હોત તો આજે જે ડેટા વાપરો છો તેનું બિલ રૂ।.૩૦૦ નહીં પણ રૂ।.૬૦૦૦ આવતું હોત. જનૌષધિ કેન્દ્રો શરુ કરીને ગરીબ-મધ્યમવર્ગના રૂ।.૨૦ હજાર કરોડ બચાવ્યા છે. પાંચ વર્ષમાં દેશમાં ૧૩.૫૦ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે અને નીઓ મિડલક્લાસ ઉભો થયો છે.