વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 નવેમ્બરથી 21 નવેમ્બર સુધી ત્રણ દેશોના પ્રવાસે જવાના છે. પ્રવાસ દરમિયાન પીએમ મોદી નાઈજીરિયા, બ્રાઝિલ અને ગયાના જશે. આ દરમિયાન પીએમ G-20 સમિટમાં ભાગ લેવા માટે બ્રાઝિલ પણ જશે. વિદેશ મંત્રાલયે મંગળવારે આ કાર્યક્રમ અંગેની જાણકારી આપી હતી. આ ઉપરાંત પીએમ મોદી G-20 સમિટ દરમિયાન ઘણા નેતાઓને મળવાના છે.
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા દ્વારા આયોજિત G-20 સમિટમાં ભાગ લેવા માટે 18 થી 19 નવેમ્બર દરમિયાન રિયો ડી જાનેરો જશે. મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારત બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાની સાથે G-20 ટ્રાયમવિરેટનો ભાગ છે અને ચાલુ G-20 સમિટ ચર્ચામાં સક્રિયપણે યોગદાન આપી રહ્યું છે.