વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની વતનની મુલાકાતે આવશે. આ મુલાકાતમાં વડાપ્રધાન મોદી વિકાસકાર્યોને લીલી ઝંડી આપશે તો નવા લોકાર્પણ પણ કરશે. રાજ્યને અંદાજે 6 હજાર કરોડના વિકાસ કામની ભેટ મેળશે. પીએમ મોદી તેમના પ્રવાસની શરૂઆત અંબાજીમાં માતાજીના દર્શન કરી કરશે.
તો વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં સોમનાથ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક પણ મળવાની છે. તો સરદાર પટેલની જન્મજયંતિ 31મી ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ રાષ્ટ્રીય એકતા પરેડનું નિરીક્ષણ કરશે. જેમાં ભારતના 17 રાજ્યોના 250થી વધુ NCC કેડેટ્સ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે. 7 ઓક્ટોબરથી જ આ કેડેટ્સે એકતા નગરમાં આવી તેમની કૃતિની પ્રેક્ટિસ શરૂ કરી હતી.
તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતમાં રૂપિયા 5,941 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કાર્યક્રમ મહેસાણા જિલ્લાના ડાભોડા ગામમાં યોજાશે. વિવિધ પ્રકલ્પોમાં ભારતીય રેલવે, ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન, જળ સંશધાન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તેમજ શહેરી વિકાસ વિભાગના વિકાસકાર્યો સામેલ છે.