કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ રવિવારે કેન્દ્રની ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સત્તામાં રહેવા માટે કોઇ પણ હદ સુધી જઇ શકે છે. પંજાબમાં ન્યાય સંકલ્પ રેલીને સંબોધતા પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને ખેડૂતો પ્રત્યે કોઇ જ આદર કે સન્માન નથી. તેઓ સત્તા માટે કઇ પણ કરી શકે છે. કૃષિ કાયદા સામેના આંદોલનમાં 700 ખેડૂતોએ જીવ ગુમાવ્યો. જ્યારે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી યોજાવાની હતી તેના થોડા સમય પહેલા જ મોદીએ આ કાયદા પરત લીધા, જે દર્શાવે છે કે ખેડૂતો માટે કઇ નહીં પણ સત્તા માટે મોદી કઇ પણ કરી શકે છે. સત્તા મેળવવા માટે મોદી જુઠ બોલી રહ્યા છે.