વડોદરાના હરણી તળાવમાં હોડી ડૂબી જતાં થયેલા મૃત્યુથી હું વ્યથિત છું. આશા છે કે, ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થઈ જશે. સ્થાનિક તંત્ર દ્વારા પીડિતોને શક્ય તમામ મદદ પહોંચાડાઈ રહી છે. વડાપ્રધાન ફંડમાંથી દરેક મૃતકના પરિવારને રૂ. બે લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાય અપાશે.
વડોદરામાં ન્યૂ સનરાઈઝ સ્કૂલની પિકનિક દરમિયાન હરણી તળાવમાં સર્જાયેલી હોનારતમાં અત્યાર સુધી 13 વિદ્યાર્થી અને બે શિક્ષિકા સહિત કુલ 15ના મોત થયા છે. આ દુર્ઘટનાના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ દુઃખ વ્યક્ત કર્યું હતું અને મૃતકો માટે પ્રાર્થના કરી હતી. વડાપ્રધાન કાર્યાલય દ્વારા એક ટ્વિટ કરીને જાહેરાત કરાઈ હતી કે હરણી તળાવ દુર્ઘટનામાં મૃતકોના પરિવારને રૂ.2 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ.50 હજારનું વળતર અપાશે. બીજી તરફ, ગુજરાત સરકારે મૃતકના પરિવારજનોને રૂ. ચાર લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે.
PM મોદીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો
PM મોદીએ વડોદરાના હરણી તળાવમાં બનેલી આ દુર્ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ એક પોસ્ટ લખીને કહ્યું કે, આ દુ:ખદ ઘટના વિશે જાણીને ખૂબ જ દુખી છું. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના પીડિતોના પરિવારો સાથે છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની આશા રાખું છું. સ્થાનિક પ્રશાસન તમામ જરૂરી મદદ પૂરી પાડી રહ્યું છે. મૃતકોના પરિવારને પીએમ નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડમાંથી 2 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવી રહ્યું છે અને ઘાયલોના પરિવારને 50 હજાર રૂપિયાનું વળતર આપવામાં આવી રહ્યું છે.
રાજ્ય સરકારે પણ સહાયની જાહેરાત કરી
CM Bhupendr bhai એ ટ્વીટ કર્યું છે કે, હરણી તળાવની દુર્ઘટનાને લઈને ખૂબ વ્યથિત છું. કાળ જ્યારે માસૂમ બાળકોને માતાપિતા પાસેથી છીનવી લે ત્યારે તેમના હૃદય પર શું વીતે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તંત્ર સાથે સતત સંકલનમાં છું અને અન્ય કાર્યક્રમ સ્થગિત કરીને વડોદરા જવા નીકળી રહ્યો છું. હાલ તંત્ર દ્વારા તાકીદે રાહત-બચાવ અને સારવારની કામગીરી ચાલુ છે. વધુને વધુ જીવન બચાવી શકાય તેવી આપણા સૌની લાગણી અને પ્રાર્થના છે. કેન્દ્ર બાદ રાજ્ય સરકારે પણ હરણી તળાવની દુર્ઘટના સહાયની જાહેરાત કરી છે. પ્રત્યેક મૃતકના પરિવારજનને રૂ. 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય કરશે.
મુખ્યમંત્રી અને ગૃહમંત્રી વડોદરા જવા રવાના
વડોદરાના હરણી તળાવમાં વિદ્યાર્થીઓને લઈને જતી એક હોડી પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં કુલ 13 વિદ્યાર્થી અને બે શિક્ષક સહિત કુલ 15 લોકોના મોત થયાના અહેવાલ છે. હાલ ફાયર બ્રિગેડ દ્વારા બચાવ અભિયાન ચાલી રહ્યું છે. બચી ગયેલા અન્ય વિદ્યાર્થીઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે. ઘટના સ્થળે 10 એમ્બ્યુલન્સ પણ પહોંચી ગઈ છે અને ત્યાં પણ બચાવની કામગીરી ચાલુ છે. જ્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરા જવાના રવાના છે.