વડાપ્રધાન મોદીનો 'મન કી બાત' કાર્યક્રમનો આજે 114મો એપિસોડ હતો. વડાપ્રધાન મોદીએ 'મન કી બાત' કાર્યક્રમમાં કહ્યું કે, આ કાર્યક્રમના શ્રોતા જ તેના અસલ સૂત્રધાર છે. સામાન્ય રીતે એવી ધારણા કરવામાં આવે છે કે, જ્યાં સુધી ચટપટી અને નકારાત્મક વાત ન હોય ત્યાં સુધી કોઈ મહત્ત્વ નથી આપતું. પરંતુ, મન કી બાતે સાબિત કર્યું કે, લોકોને પોઝિટીવ વાત પણ પસંદ આવે છે. મન ગકી બાત મારા માટે ઈશ્વરના મંદિરે જઈને દર્શન કરવા સમાન છે. 'મન કી બાત'ને ઘરે-ઘરે પહોંચાડનાર લોકોનો આભાર વ્યક્ત કરવા ઈચ્છુ છું.
મન કી બાત' ના 10 વર્ષ પૂરા થવા જઈ રહ્યાં છે : મોદી
વડાપ્રધાને કહ્યું કે, 'મન કી બાત'ની આપણી આ યાત્રાને 10 વર્ષ પૂરા થઈ રહ્યાં છે. 10 વર્ષ પહેલાં 3 ઓક્ટોબરે વિજયાદશમીના દિવસે મન કી બાત'નો પ્રારંભ થયો હતો અને કેટલો પવિત્ર સંયોગ છે કે, આ વર્ષે 3 ઓક્ટોબરે જ્યારે 'મન કી બાત' ને 10 વર્ષ પૂરા થશે, ત્યારે નવરાત્રિનો પહેલો દિવસ હશે. મારૂ મન તો ત્યારથી જ ગર્વથી ઉભરાઈ જાય છે, જ્યારે હું 'મન કી બાત' માટે આવેલી ચિઠ્ઠીઓને વાંચુ છું.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશના અલગ-અલગ ભાગોમાં જ્યારે જોરદાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વરસાદની આ સિઝન આપણને યાદ અપાવે છે કે, 'જળ-સંરક્ષણ' કેટલું જરૂરી છે. વરસાદના દિવસોમાં સંગ્રહિત કરેલું પાણી, જળ સંકટના મહિનામાં ખૂબ મદદ કરે છે, જે કેચ ધ રેન જેવા અભિયાનની ભાવના છે.
આ સિવાય વડાપ્રધાને કહ્યું કે ક્યાંક નારી-શક્તિ, જળ-શક્તિને વધારે છે, તો ક્યાંક જળ-શક્તિ પણ નારી-શક્તિને મજબૂત કરે છે. મને મધ્ય પ્રદેશના બે પ્રેરણાદાયી પ્રયાસોની જાણકારી મળી છે. અહીં ડિંડોરીના રયપુરા ગામમાં એક મોટા તળાવના નિર્માણથી ભૂ-સ્તર ઘણું વધી ગયું છે.