ભારતીય જનતા પાર્ટી (BJP) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે રવિવારે ‘સેવા પખવાડિયાની’ શરૂઆત કરશે. વધુમાં પાર્ટી વડાપ્રધાનના જન્મદિવસ પર નમો એપ દ્વારા ‘એક્સપ્રેસ યોર સેવા ભવ’ અભિયાન (Sevabhava Abhiyan) શરૂ કરશે. ભાજપનું કહેવું છે કે આ અભિયાનનો હેતુ નાગરિકોને દેશની સેવા કરવા માટે પ્રેરિત કરવાનો છે. ભાજપે કહ્યું કે કરોડો ભારતીયો પીએમ મોદીને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવે છે. આ વર્ષે નમો એપનો ઉપયોગ કરીને લોકો વીડિયો મેસેજ દ્વારા પીએમ મોદીને તેમની શુભકામનાઓ પણ આપી શકે છે. તેમણે તેમનો વીડિયો નમો એપ પર અપલોડ કરવાનો રહેશે. વીડિયો વોલ પર શુભકામનાઓના તમામ વીડિયો પણ દેખાશે. પાર્ટીનું કહેવું છે કે નમો એપના યુઝર્સ, પછી ભલે તે કાર્યકર્તા હોય કે અન્ય કોઈ, વડાપ્રધાન મોદીના જન્મદિવસ પર તેમની ‘સેવા ભેટ’ના ભાગરૂપે રાષ્ટ્ર પ્રત્યેની તેમની સેવાની ભાવના વ્યક્ત કરી શકે છે.