વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવીને સતત ત્રીજી વખત સત્તા પર આવ્યા પછી સૌથી પહેલા રશિયા સાથે દ્વિપક્ષીય બેઠક માટે સોમવારે મોસ્કો પહોંચ્યા હતા. આ બેઠકમાં તેમણે રશિયા અને યુક્રેનને યુદ્ધનો અંત લાવી શાંતિ વાટાઘાટો પર ચર્ચા કરવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે, બોમ્બ, બુલેટ અને બંદુક વચ્ચે સમાધાન અને શાંતિ સફળ થતા નથી. આપણે વાતચીત મારફત જ શાંતિના માર્ગે આગળ વધવું પડશે. પુતિન સાથેની આ બેઠકમાં પીએમ મોદીએ આ યુદ્ધમાં છેતરપિંડીથી ભારતીયોને ફસાવાયા હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને ભારતીયોને વતન પરત મોકલવા અંગે સહમતી આપી હતી.