વિપક્ષ અને મુસ્લિમ પર્સનલ લો બોર્ડે વક્ફ સુધારા બિલ ૨૦૨૪ મુસ્લિમ વિરોધી હોવા અંગે આખા દેશમાં ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે, આ બિલ ગુરુવારે રાજ્યસભામાં પણ મોડી રાતે પસાર થઈ ગયું હતું. લોકસભામાં બુધવારે લગભગ ૧૪ કલાક લાંબી ચર્ચા પછી આ બિલ પસાર થઈ ગયું હતું. એ જ રીતે રાજ્યસભામાં ગુરુવારે આ બિલ પર મોડી રાત સુધી મેરેથોન ચર્ચા ચાલી હતી. વિપક્ષે આ બિલના સુધારાને મુસ્લિમ વિરોધી ગણાવ્યા હતા જ્યારે કેન્દ્ર સરકારે વક્ફ બોર્ડના કામકાજમાં પારદર્શિતા અને જવાબદારી લાવવાના આશયથી બિલમાં સુધારા કરાયા હોવાનો દાવો કર્યો હતો. રાજ્યસભામાં પસાર થવાની સાથે આ બિલને મંજૂરી માટે હવે રાષ્ટ્રપતિ સમક્ષ મોકલાશે. ત્યાર પછી આ બિલ કાયદો બની જશે.