Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • 85 વર્ષની સામુહિક જેલ ભોગવેલા સમાજના પત્રકાર પ્રવીણ ઘમંડે

    ગુજરાતની 12 જાતિ એવી છે કે જેમના મોટા ભાગના લોકોને 85 વર્ષ સુધી જેલમાં રાખવામાં આવ્યા હતા. હજારો લોકોને ભારતની આઝાદી બાદ 4 વર્ષ સુધી 1952 સુધી જેલમાં રાખવામાં આવ્યા હતા. તેમનો ગુનો એ હતો કે તે વિચરતી જાતિ હતી, જે આઝાદીના જંગમાં કેટલાક સ્થળે લડવૈયાઓ માટે એક ગામથી બીજા ગામ સુધી અંગ્રેજ સરકાર સામે સંદેશાઓની આપ-લે કરતા હતા. બીજો ગુનો એવો માની લેવામાં આવ્યો હતો તે આ જાતિના લોકો ચોરી કરે છે અને દારૂ જેવી ગેરકાનૂની પ્રવૃત્તિ કરે છે. અંગ્રેજોએ આ જાતિને 85 વર્ષ સુધી પીડા આપવા માટે એક કાયદો કર્યો હતો, જેમાં ભારતની 200 જાતિઓને ખૂલ્લી જેલમાં બંદીવાન બનાવી હતી. આવી એક જાતિ છારા પણ હતી. છારા જાતિમાં પહેલા પત્રકાર બન્યા હોય તો તે પ્રવીણ ઘમંડે છે. તેમણે નક્કી કર્યું કે, તે એવું કામ કરશે કે જે બીજા કોઈએ ન કર્યું હોય. તેમના પિતા સમાજ સુધારક હતા. પ્રવીણ ઘમંડે 35 વર્ષથી પત્રકાર છે. તેમના પુત્રોને પણ પત્રકાર બનાવ્યા છે. 61 વર્ષના પ્રવીણ ઘમંડેએ ગુજરાતી પત્રકારત્વમાં આગવી ઓળખ ઊભી કરી છે. તેમણે નર્મદા યોજના બનાવવા માટે જે યોગદાન આપ્યું અને આખા ગુજરાતને નર્મદા યોજના બને તે માટે એક કરવામાં એક પત્રકાર તરીકે મોટું યોગદાન આપ્યું છે. તેમના પર કોઈ ચોક્કસ લેબલ ન લાગે તે માટે છારા સમાજના બચાવ માટે બહુ લખ્યું નથી. કારણ કે એક પત્રકાર તરીકે જો તેઓ એવું કરે તો પક્ષપાતી પત્રકાર બની ગયા હોત.

    તેમની વાત તેમના જ શબ્દોમાં...

    મારો જન્મ અમદાવાદના છારા વસાહતમાં થયો હતો. મારા પિતા ગાંધી વિચારધારાને વરેલા હતા. તેઓ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. તેઓ સમાજ સુધારક હતા. તેમનું અવસાન થયું ત્યારે તેમના મૃતદેહને તિરંગામાં લપેટવામાં આવ્યા હતા. 1952મા જ્યારે છારા સમાજના લોકોને નરોડા-સેટલમેન્ટની ઓપન જેલમાંથી 1952મા મુક્ત કરવામાં આવ્યા ત્યારે છારા કોમના લોકો પાસે આજિવિકા કે શિક્ષણ માટે કોઈ વ્યવસ્થા ન હતી. તેથી જે બીજા લોકો ન કરતા તે કામ કરવા લાગ્યા હતા. તેઓ ચોરી કે દારૂના ધંધામાં જોડાયા હતા પણ મારા પિતાએ નક્કી કર્યું હતું કે આવો ગેરકાનૂની ધંધો નહીં કરે. તેથી તેમણે એક સહકારી મંડળી બનાવી હતી અને ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો હતો. તેઓ દૂધ વેચવાનો ધંધો કરતા હતા. ઠક્કરબાપા આશ્રમમાં પણ દૂધ પહોંચાડતા હતા. હું 10 વર્ષનો હતો ત્યારે, મારા પિતાનું અવસાન થયું હતું. આવકના કોઈ સાધનો ન રહ્યા, તેથી મારા કુટુંબના સભ્યો દારૂ બનાવીને વેચવાના ધંધામાં એકાએક આવી પડ્યા હતા. જેની આવકમાંથી અમારા ભાઈ-બહેનોને ભરણપોષણ અને શિક્ષણ મળ્યું હતું. અમે શિક્ષિત થયા એટલે તે બધો વ્યવસાય છોડી દેવાનું નક્કી કર્યું હતું. ત્યારથી આજ સુધી અમારા કુટુંબમાં કોઈ સભ્યએ દારૂ વેચવાનો ધંધો કર્યો નથી.

    પત્રકાર બન્યો

    અમારો સમાજ એક એવો બદનામ સમાજ છે કે, જે છાપામાં નામ આવે એટલે ભડકી જાય છે. તે વ્યવસાય પસંદ કરવો તે કપરું કામ હતું. છારાનગરમાંથી 200 વકીલ છે પણ કોઈ પત્રકાર ન હતા. મને અંદરથી થયા કરતું હતું કે એવું કંઈક કરવું છે કે, જેની બધે નોંધ લેવામાં આવે. છારાનગરમાં પોલીસ ગમે ત્યારે આવીને લોકોને પકડી જતી હતી. ઘરમાં ઘૂસીને મારામારી કરતી હતી. અત્યાચાર કરતી હતી. પોલીસની હેરાનગતિ ન થાય એવું કરવાનું નક્કી કર્યું હતું. મારા સબંધીઓ વકીલ બની રહ્યા હતા. છાપાવાળા પણ હોય છે, એવો આછોપાતળો ખ્યાલ હતો. તેથી પત્રકાર બનવાનું નક્કી કર્યું હતું. 1982મા ભવન્સ કોલેજમાંથી પત્રકારત્વનો અભ્યાસ કર્યો હતો. પત્રકારનો અભ્યાસ પૂરો કર્યો ત્યારે તે વ્યવસાયના મહત્ત્વની ખબર પડી હતી.

    પહેલી નોકરી

    સમાચાર છપાતા હતા, તે અંગે અખબારોમાં મંતવ્યો લખીને આપતો હતો. ત્યારે નોકરી માટે ફરતો હતો. એક વખત હું ખાનપુરમાં યુએનઆઈ સમાચાર સંસ્થા પર જઈ ચઢ્યો હતો અને તેના રિપોર્ટર અનિલ પાઠકને મળ્યો હતો. તેમણે મને કહ્યું કે આ બિલ્ડિંગની નીચે એક છાપાની કચેરી શરૂ થઈ છે, ત્યાં જરૂર છે તું મળ. ત્યાં હું આર્મીના નિવૃત્ત કેપ્ટન અને પછી પત્રકાર બનેલા જે.એન.ચોપરાને જઈને મળ્યો હતો. તેઓ ફ્રી પ્રેસ જર્નલમાં કામ કરતા હતા. મેં મારી અને મારી આસપાસના લોકોની સંપૂર્ણ સાચી વાત તેમને કરી દીધી. તેમને મારા પર ભરોસો બેઠો કે આ છોકરો સાચું કરી શકે છે. તેમણે મને કહ્યું કે તારે મને ગુજરાતી સમાચારપત્રો વાંચી સંભળાવવાના અને હું તને અંગ્રેજી શીખવીશ. તેમની ઓફિસ પણ મારે સંભાળવાની હતી. તેમનો પત્રવ્યવહાર પણ જોવાનો થતો હતો. ત્યાં એક વર્ષ કામ કર્યું હતું. ત્યાં પત્રકારો આવતા હતા, જેમાં દિનકર પંડ્યા કે જે પેટ્રીએટ સમાચારપત્રના ગુજરાત ખાતેના રિપોર્ટર હતા, જે અખબારની વિચારધારા સામ્યવાદી હતી. ઉપરાંત જી.વાય.પટેલ, અનિલ પાઠક અહીં આવતા હતા. ત્યારે મને ખિસ્સા ખર્ચ જેટલા પૈસા મળતા હતા. કેપ્ટન ચોપરાએ એક વખત જી.વાય.પટેલને કહ્યું કે આ છોકરાનું કંઈક કરો. તેમણે પ્રભાતના ચીફ રિપોર્ટર મનુભાઈ મિસ્ત્રીને કહ્યું અને મને રૂ. 400મા પ્રભાતમાં 1983-84મા નોકરી મળી ગઈ હતી.

    1986મા સમભાવ શરૂ થયું, તેમાં રૂ. 1200ના પગારથી જોડાયો હતો. પછી સંદેશમાં જોડાયો હતો.

    ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં કામ કર્યું

    બેનેટ એન્ડ કોલમેન કંપનીનું ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અખબાર આશ્રમ રોડ પરથી નીકળતું હતું. તેમણે ગુજરાતી ભાષામાં આજ નામથી અખબાર શરૂ કર્યું હતું. ચીફ રિપોર્ટર કાંતિ પટેલ અને તંત્રી તરીકે અરવિંદ ગોસ્વામી હતા. 1989મા હું જોડાયો હતો.

    સાત વર્ષના સંઘર્ષ પછી મારો સુવર્ણકાળ શરૂ થયો હતો. અહીં તંત્રી અરવિંદ ગોસ્વામી અને કાંતિ પટેલે મુક્ત વાતાવરણ આપ્યું હતું. આ છાપું શરૂ થયું ત્યાં સુધી અમદાવાદમાં પેઢીઓની માલિકીના અખબારો નીકળતા હતા. અહીં અખબારી લેખન, પત્રકારત્વ સારી રીતે કરી શક્યો હતો.

    નર્મદા યોજના માટે ક્રાંતિકારી અહેવાલો તૈયાર કર્યા

    1990મા ગુજરાતની જીવાદોરી નર્મદા યોજના સામે અનેક મુશ્કેલીઓ આવી પડી હતી. યોજના નહીં બને એવી સ્થિતિ આ સમયે આવીને ઊભી હતી. નર્મદા યોજના બને તો ગુજરાતમાં સુવર્ણ યુગ શરૂ થઈ શકે તેમ હતો. પંજાબ જેવી કૃષિ ક્રાંતિ થવાની હતી. તેથી વિસ્થાપિતોના નામે તેનો વિરોધ મેધા પાટકરે શરૂ કર્યો હતો.

    મેધા પાટકરે આંદોલન શરૂ કર્યું હતું. મુંબઈ એક બેઠક મળી રહી હતી, તે માટે મને મારા તંત્રી અરવિંદ ગોસ્વામીએ મોકલ્યો હતો. જે બેઠકમાં હું હાજર રહ્યો અને જીણામાં જીણી વિગતો મેળવીને પરત અમદાવાદ આવી ગયો હતો. મેધા પાટકરે નર્મદા યોજના અટકાવવા માટે તૈયાર કરેલી બ્લૂપ્રિન્ટ જાહેર કરી દીધી હતી. ત્યારે તેમણે જે યોજના બનાવી હતી તેમાં સુપ્રીમ કોર્ટ સુધી જવાની તૈયારી તેઓ કરી ચૂક્યા હતા. આંદોલનકારીઓની તમામ વિગતો જાહેર થઈ જતા, તેમના આંદોલનને ફટકો પડ્યો હતો. તંત્રી અરવિંદ ગોસ્વામીની આ દૂરંદેશી હતી. તેઓ હિંમતવાન પત્રકાર હતા. પત્રકારોને મુક્ત રીતે લખવા દેતા હતા.

    નર્મદાની સીરિઝ

    સ્ફોટક અહેવાલ બાદ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના તંત્રી અરવિંદ ગોસ્વામીએ નક્કી કર્યું કે, નર્મદા યોજના ઉપર સીરિઝ કરવી. આમ પહેલી વખત એવું બન્યું કે નર્મદા યોજનાની તરફેણમાં કોઈ એક ગુજરાતી અખબારે ઝૂંબેશ શરૂ કરી હોય. નર્મદા અંગેના સમાચારો તેમાં આવવા લાગ્યા હતા. પછી તો બીજા ગુજરાતી અખબારોએ નર્મદાની તરફેણમાં લખવાનું શરૂ કર્યું હતું પણ તેમાં હું સૌથી આગળ રહેતો હતો. ગુજરાતના તમામ જાણીતા લોકો આ આંદોલનમાં જોડાઈ ગયા હતા. સમાજિક સંસ્થાઓ પણ જોડાઈ હતી. ગુજરાતના રાજકાણીઓ પહેલી વખત નર્મદા યોજના માટે એક બન્યા હતા અને ચીમનભાઈ, અમરસિંહ, કેશુભાઈ પટેલ સહિત તમામ નેતાઓ નર્મદા યોજના અંગે એક બન્યા હતા.

    આ એક સીરિઝના કારણે સમાજમાં જાગૃતિ આવી, સદવિચાર પરિવારના હરિભાઈ પંચાલ અને કૃષ્ણવદન ઝ. પટેલે નર્મદા અભિયાન સેલ શરૂ કર્યો હતો. આ બધું ગુજરાતી ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના લીધે થયું હતું. સદવિચાર પરિવારે નર્મદા યોજના અંગે એક પત્રિકા શરૂ કરી હતી. જેનું સંપાદન પણ હું કરતો હતો.

    નર્મદા યોજનાના પાયામાં જે સરદાર પટેલ હતા તે રીતે ગુજરાતી ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ નર્મદા યોજના બચાવવા માટે કામ કર્યું હતું. જે પાછળથી બંધ કરી દેવામાં આવ્યું હતું.

    જાસૂસીનો આરોપ

    મેધા પાટકરે પોતાના સામયિકમાં લખ્યું હતું કે, ગુજરાતના ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના પત્રકાર પ્રવીણ ઘમંડે જાસૂસ તરીકે કામ કરે છે પણ મેં કોઈ જાસૂસી કરી ન હતી. મેં તો મારા ગુજરાતના હિતમાં સમાચારો મેળવવા કામ કર્યું હતું. તેમની દરેક હિલચાલ પર હું નજર રાખતો હતો. તેમના મોટાભાગના કાર્યક્રમોમાં હું છૂપી રીતે જતો અને તેમની વિગતો શોધી લાવતો અને છાપતો હતો. નર્મદા વિરોધીઓની છૂપી હિલચાલ જાહેર કરતો રહ્યો હતો. ત્યારે એવો સમય હતો કે, નર્મદા યોજના થશે કે કેમ તેની સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા પણ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની ગુજરાત આવૃત્તિના કારણે વિરોધીઓની પોલ ખૂલ્લી થઈ રહી હતી, જેના કારણે નર્મદા યોજના બનવી જ જોઈએ એવા આંદોલનને વેગ મળ્યો હતો.

    એક અખબાર અને એક પત્રકાર શું કરી શકે છે તે આ એક ઘટના પરથી કહી શકાય છે.

    તો બીજી બાજુ, અંગ્રેજી ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, મેધા પાટકરને સમર્થન કરતું હતું. નર્મદા યોજનાનો વિરોધ કરતું હોય તેવા અનેક અહેવાલો છપાયા હતા. આમ અમદાવાદના આશ્રમ રોડ પરની ફડિયા ચેમ્બરમાં એક જ ફ્લોર પર એક જ કંપનીના બે અખબારો ચાલતા હતા.

    નર્મદા યોજનાને આગળ ધપાવવા માટે બહાદુર તંત્રી અરવિંદ ગોસ્વામીએ પ્રેરણા આપી હતી. મને જ નહીં પણ સમગ્ર ગુજરાતને પ્રેરણા આપી હતી.

    સરકારે વિનંતી કરી

    નર્મદા યોજના અંગે ચિમનભાઈ પટેલ અને અમરિસંહ ચૌધરીની સરકાર સતત ચિંતિત હતી. મને એક વખત કહેવામાં આવ્યું હતું કે નર્મદા વિરોધીઓ શું કરી રહ્યા છે તેની સાચી પણ ખાનગી વિગતો જોઈએ છે. મેં ગુજરાતના હિતમાં લાવી આપી હતી. મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં વડવાણી ખાતે નર્મદા વિરોધીઓનું કેન્દ્ર હતું. ત્યાં જીવના જોખમે અનેક વખત ગયો હતો. માહિતી લાવ્યો હતો અને છાપી પણ હતી. નર્મદા નિગમ પણ મને ઘણી વખત મદદ કરતું રહ્યું હતું. ફેરકૂવા આંદોલન પણ થયું હતું.

    નર્મદાપુત્ર

    પછી તો નર્મદા અંગેની વિગતો માટે હું ઓથેન્ટીક બની ગયો હતો. આંદોલનકારીઓ, સંસ્થાઓ, પત્રકારો વિગતો જાણવા માટે મને પૂછતા હતા. લોકો મને નર્મદાપુત્ર તરીકે ઓળખવા લાગ્યા હતા. સમગ્ર દેશના મોટા ભાગના લોકો વિરોધ કરતા હતા. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર પણ નર્મદા બંધનો વિરોધ કરતા હતા. હવે તેઓ સૌથી વધુ ફાયદો લઈ રહ્યા છે પણ અમે પહેલું હિત ગુજરાતનું જોયું હતું.

    નહેરોમાં નિષ્ફળતા

    આ આંદોલન 28 વર્ષ પહેલાથી શરૂ થયું હતું. 6 વર્ષ સર્વોચ્ચ અદાલતના કેસના કારણે બંધનું કામ બંધ રહ્યું હતું. 1990થી આ ઘટનાને 28 વર્ષ થયા છે પણ એક વાત છે કે નર્મદા યોજનાનો જન્મ સિંચાઈ અને પીવાના પાણી માટે થયો હતો પણ દુઃખદ બાબત એ છે કે, 18 લાખ હેક્ટરમાં સિંચાઈ આજે થવી જોઈતી હતી. તેના બદલે ખરેખર તો 4 લાખ હેક્ટરથી વધુ સિંચાઈ થતી નથી. આજે ગુજરાત બીજું પંજાબ બની શક્યું હોત. ગુજરાતની સમૃદ્ધિ વધી શકી હોત, જો નર્મદાની નહેરો બની ગઈ હોત અને ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચી શક્યું હોત. છેલ્લા 22 વર્ષમાં તમામ સરકારો નર્મદા યોજના પૂરી કરવામાં કે નહેરો બનાવવામાં નિષ્ફળ રહી છે. જ્યાં નહેરો બની છે ત્યાં નબળા કામના કારણે તૂટી રહી છે. ગયા વર્ષે 160 સ્થળે નબળી નહેર તૂટી હતી. એક મેધા પાટકર યોજના બનવા દેવા માગતા ન હતા પણ હવે તો આપણા ગુજરાતના જ લોકો તે ક્યારે પૂરી કરશે તે જ નક્કી કહી શકતા નથી. ખેડૂતો નહેરમાંથી તેમના હક્કનું મશીનથી પાણી ખેંચે છે તો તેમને ચોર ગણવામાં આવે છે પણ ખરેખર ચોર કોણ છે?

    નર્મદાના નામે રાજકારણ

    રાજકીય પક્ષોએ સાથે મળીને નક્કી કર્યું હતું કે નર્મદા યોજનાને ક્યારેય રાજકીય મુદ્દો નહીં બનાવે પણ 18 વર્ષથી તેને રાજકીય મુદ્દો સત્તાધારી પક્ષ બનાવે છે. તેથી વિરોધ પક્ષ પણ રાજકીય મુદ્દો બનાવે છે. જેવું દેશની આઝાદીની લડત બાદ થયું, એવું સરદાર સરોવર બની ગયા બાદ થયું છે. ખેતરો સુધી પાણી ન પહોંચવાના કારણે અબજો રૂપિયાનું કૃષિ ઉત્પાદન ગુમાવવું પડ્યું છે. તો પછી મેધા પાટકર અને ગુજરાતના રાજકારણીઓ વચ્ચે ફેર શું?

    જાણીતી સ્ટોરી

    ગુજરાતમાં દરિયામાં ડૂબેલી દ્વારકા અંગે લોકોની જે માન્યતા હતી તે અંગે પણ એક સીરિયલ સમાચારો બનાવ્યા હતા. શ્રીકૃષ્ણની દ્વારકા ક્યાં? એ સીરિઝ ટાઈમસ ઓફ ઇન્ડિયામાં કરી હતી. સંશોધનાત્મક અહેવાલ લખ્યા હતા. પુરાતત્ત્વ વિભાગના મુકુંદ રાવલ સાથે દ્વારકા ક્યાં હોઈ શકે એવા સ્થળોની મુલાકાત લીધી હતી. તે મને લઈ ગયા હતા. પ.મુ.ભટ્ટ આર્કીટેક હતા. તેમના સંશોધનો અને ઈસરોના વિજ્ઞાની પી.એસ.ઠક્કર સાથે રહીને આ બધી બાબતો મેળવીને લખી હતી. ઓસોનોગ્રાફી ઈન્સ્ટિટ્યૂટે પણ સંશોધન કર્યું હતું તે જાહેર કર્યું હતું. લુપ્ત થઈ ગયેલી સરસ્વતી નદી અંગે પણ ઘણા સમાચારો લખ્યા હતા.

    ગુજરાત સમાચાર, મુંબઈ સમાચાર, સંદેશ, જનસત્તા, જયહિંદ, ગ્લોબલ ગુજરાત ન્યૂઝ વેબસાઇટ, GTPLમાં કામ કર્યું હતું. પ્રિન્ટ, ડિજિટલ અને ટીવી મીડિયામાં કામ કર્યું હતું. અત્યારે પણ તેઓ newzviewz.com વેબસાઈટ માટે કામ કરે છે.

    મિરજાપુરમાં પ્રભાત હતું જ્યાં 1985મા તોનોફામાં આર્મીની ગાડીમાં બેસીને બહાર જતા હતા.

    મેજિક મશીન

    અરવિંદ ગોસ્વામીએ વિદેશથી એક ફેક્સ મશીન મંગાવ્યું હતું. જેની એ સમયે રૂ.1.50 લાખ કિંમત હતી. દૂરથી કાગળ નાખતા અને ઓફિસમાં તે વિગતો છપાઈને કાગળ સાથે નીકળતી હતી. તે સમયે આ એક મેજિક લાગતું હતું. હવે તો તે બાબત સામાન્ય બની ગઈ છે. ટાઇમ્સે મશીન આપતા પોતાના પૂત્રએ મોકલાવેલું જૂનું ફેક્સ મશીન વેચીને અરવિંદ ગોસ્વામીએ કાર લીધી હતી.

    બચપણ

    પ્રવીણ ઘમંડે કહે છે કે, હું 10 વર્ષનો હતો ત્યારે પિતા રમણભાઈ ભાદાભાઈ 1967મા ગુજરી ગયા હતા. મારા 3 ભાઈ અને 5 બહેનો હતી. મોટો પરિવાર હતો. પિતાએ સમાજમાં રહીને દારૂનો નહીં પણ દૂધનો ધંધો કર્યો હતો. તે પહેલા તેઓ કોઈ ગુના વગર સમૂહ જેલમાં હતા.

    બ્રિટીશરોએ ક્રિમિનલ ટ્રાઈબ એક્ટ – ગુનાહીત જાતિ કાયદો – 1871-72મા બનાવ્યો હતો, જેમાં સાંદી, છારા, આડોડીયા, ડફેર, સંધી, ભીલ પારધી સહિત ગુજરાતની 12 જાતિઓના લાખો લોકોને ગુજરાતમાં કેદ કરવામા આવ્યા હતા. જેમાં મારા માતા પિતા પણ રહ્યા હતા. ગુજરાત સરકારે આ 12 જાતિઓ માટે અલગ બોર્ડ બનાવ્યું છે. પણ તેમાં કંઈ થતું નથી. જેલમાં જ અનેક પેઢીઓ જન્મી હતી અને ત્યાં જ મૃત્યુ પામી હતી. આવા સમાજમાંથી હું આવતો હતો.

    ભારતમાં 200 જાતિના 2 કરોડ લોકોને પકડીને વિશાળ એવી ખૂલ્લી જેલમાં રાખવામાં આવતા હતા. જેને સેટલમેન્ટ તરીકે ઓળખવામાં આવતી હતી. ચારેબાજુ તારની વાડ બનાવીને આ જાતિઓને પૂરી રાખવામાં આવતી હતી. તે વિચરતી જાતિ હતી. અમદાવાદમાં નરોડામાં આવી વસાહત હતી. જે હાલ નરોડા ભિક્ષુક ગૃહ તરીકે ઓળખવામાં આવે છે. તે ખુલ્લી જેલ-સેટલમેન્ટ હતું. તારની વાડ અને કેદીઓની કોટડીઓ આજે પણ છે, જેમાં કેદીઓને કોઈ ગુના વગર રાખવામાં આવતા હતા. તેઓ ભારતની આઝાદી માટે કામ કરતા હતા. એક બીજાના સંદેશાઓ પહોંચાડતા હતા. દેશના 2 કરોડ લોકોને 85 વર્ષ સુધી જેલમાં પૂરી દેવાયા છતા તેમને આઝાદી પછી પણ ન્યાય મળ્યો નથી. આજે ભારતમાં આવી 600 જાતિ વિચરતી વિમુક્ત છે. જે રાષ્ટ્રના મુખ્ય પ્રવાહમાં રહેવા દેવાયા ન હતા. 85 વર્ષ સુધી આ જાતિઓનો કોઈ વિકાસ થવા દેવાયો ન હતો. તેમને જેલમાંથી મુક્ત કર્યા બાદ એકાએક કઈ રીતે વિકાસ થઈ શકે. તેમની પાસે પરંપરાગત કોઈ વ્યવસાય રહ્યો ન હતો. તો પછી તે જેલમાંથી છૂટીને શું કરે? પેટનો ખાડો પુરવા માટે દારૂ અને ચોરીનો સરળ ધંધો અપનાવી લીધો હતો. જે યોગ્ય ન હતું. જો આઝાદ ભારતની સરકારે તેમને ધંધો આપ્યો હોત કે વળતર આપ્યું હોત તો આવી અવદશા ઊભી થઈ ન હોત. તેમને સરકારે કોઈ મદદ કરી નથી. જ્યા મને મોકો મળ્યો ત્યાં મેં આ સમાજ માટે રજૂઆતો કરી છે. આજે પત્રકારો છારા ગેંગ જેવા શબ્દો વાપરે છે, તે ન વાપરવા જોઈએ. બીજા સમાજના ચોર કે દારૂ વેચનાર પડકાય છે ત્યારે તેમના માટે જ્ઞાતિનો ઉલ્લેખ કોઈ પત્રકાર કે પોલીસ કરતી નથી. કોઈ સમાજ માટે આવા શબ્દો વાપરવા ન જોઈએ. 26 જુલાઈ 2018માં પોલીસે છારાનગરના અનેક કુટુંબોના ઘરમાં ઘુસીને કાળો કેર વર્તાવેલો હતો. આવું આજે પણ થાય છે, તો 85 વર્ષ પહેલા શું હાલત હશે?

    તેથી કાયદો બનાવીને 1871થી 31 ઓગસ્ટ 1952 સુધી બંદીવાન બનાવ્યા હતા. આઝાદી મળી છતા પણ ભારતના લોકોએ પાંચ વર્ષ પછી પણ પૂરી રાખ્યા હતા. કારણ કે રાજનેતાઓ ડરતા હતા. તેઓ જન્મથી ગુનેગાર ગણવામાં આવતા હતા. આ જાતિઓને પહેલી ચૂંટણીમાં મતાધિકાર મળ્યો ન હતો. પ્રવીણ ઘમંડેના પિતાને મુક્ત કર્યા પછી તેમણે દારૂ નહીં વેચાવનું નક્કી કર્યું અને ગાયો ભેંસો રાખવાનું શરૂ કર્યું હતું. નરોડા રેલવે સ્ટેશન સામે તે માટે જમીન હતી. 12 લોકોની સહકારી મંડળી બનાવી હતી. પણ બીજા કેટલાક લોકો બહાર નીકળીને દારૂ બનાવવાનો અને ચોરીનો ધંધો કરતા હતા.

    પિતા 1967મા ગુજરી ગયા પછી દૂધનો ધંધો બંધ થયો અને પછી આજીવિકા માટે દારૂનો ધંધો કરવો પડ્યો હતો. હું 10 વર્ષનો હતો. મારી મા વિધવા હતા, એટલે મોટી બહેનો હતી. અમારું દારૂ વેચીને ગુજરાન ચાલ્યું હતું. જેના આવકમાંથી જ ગ્રેજ્યુએટ થયો હતો. પછી આ વ્યવસાય છોડી દીધો અને રોજગારીની અન્ય રીત અજમાવી હતી. પિતાએ છારા સમાજને સુધારવા માટે કામ કર્યું હતું. છારાનગરમાં એક વસાહત પણ બનાવી હતી. જે આજે 40 મકાન વિસ્તાર તરીકે જાણીતી છે. તેઓ અર્જુન લાલા કે જે સમાજ સુધારક હતા, તેમની સાથે રહીને કામ કરતા હતા. પિતાનું અવસાન થયું ત્યારે તેમની શબને તિરંગામાં લપેટીને પાલખીમાં લઈ જવાયા હતા.

    કુટુંબ

    મારે 3 પુત્ર અને 2 પુત્રી છે. મારો એક પુત્ર સંજય પત્રકાર છે. નાનો પુત્ર ચિરાગ ‘સચોટ સમાચાર’ સાપ્તાહિક સંભાળે છે. અત્યારે છારા સમાજના 10 પત્રકાર છે.

    હવે શું

    હું નિવૃત્તિમાં માનતો નથી. પ્રવૃત્તિ ચાલુ રાખીશ. સમાજ સેવાના ગુણો ગળથુથીમાં મળેલા છે, તે માટે કામ કરતો રહીશ. જો મેં છારા સમાજની વાતો લખી હોય તો, તે એક તરફી થઈ જાય એવું હતું. પત્રકારે એક તરફી કે કોઈની છાપ લઈને કામ ન કરવું જોઈએ. હવે આ સમાજ માટેનું સામાયિક શરૂ કરવાનું વિચારી રહ્યો છું.

    (દિલીપ પટેલ)

    ( khabarchhe.comના સૌજન્યથી)

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ