વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ટ્રફની અસરથી અમદાવાદ સહિત રાજ્યભરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ફાગણી પૂનમ નિમિત્તે હોલિકા દહનની તૈયારીઓ અંતિમ તબક્કામાં હતી તો ક્યાંક હોલિકા દહન થઇ પણ ગયું હતું ત્યાં જ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડયો હતો. હોળીના તહેવાર વખતે જ વરસાદ પડયો હોય તેવું વર્ષો બાદ બન્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ૩ દિવસ માવઠાની સંભાવના છે. ગુજરાતમાં ઠેરઠેર માવઠું થતાં, કરા પડતાં હાલત કફોડી બની હતી. ક્યાંક તો હોળી પ્રાગટય પહેલાં જ હોળીના લાકડાં, છાણાને ઢાંકવા પડે તેવી સ્થિતિ સર્જાઇ હતી. સૌરાષ્ટ્રમાં કોઇક સ્થળે ચેકડેમ છલકાયા હતા તો એકાદ નદીમાં પૂર પણ આવ્યું હતું.