ભારતના ત્રણ પૂર્વોત્તર રાજ્યો ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભા ચૂંટણીના પરિણામોની સ્થિતિ હવે લગભગ સ્પષ્ટ થઈ ગઈ છે. ત્રિપુરામાં એકલા ભાજપે બહુમતીનો આંકડો પાર કરી ભવ્યાતિભવ્ય જીત નોંધાવી છે, જ્યારે નાગાલેન્ડ ચૂંટણીમાં ભાજપ-NDPP ગઠબંધને જંગી જીત મેળવી છે. મેઘાલની વાત કરીએ તો અહીં કોનરાડ સંગનાની સત્તાધારી NPP સૌથી મોટી પાર્ટી તરીકે જોવા મળી રહી છે, જોકે તે 27 બેઠકો સાથે બહુમતીથી દૂર છે. દરમિયાન ભાજપે મેઘાલયમાં સરકાર બનાવવા NPPને સમર્થન આપવાની જાહેરાત કરી છે. તો બીજી તરફ આ જીતની ખુશીમાં દિલ્હી ભાજપના મુખ્ય મથકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ તેમજ જે.પી.નડ્ડા પહોંચી ગયા છે અને કાર્યકર્તાઓને સંબોધી રહ્યા છે.
હવે નોર્થ ઈસ્ટ ન દિલ્હી દૂર છે, ન દિલથી દૂર : PM મોદી
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ચૂંટણી જીતવા કરતાં પણ વધુ એ વાતનો સંતોષ છે કે હું ત્યાં વારંવાર ગયો અને ત્યાંના લોકોનું દિલ જીત્યું. પૂર્વોત્તરના લોકોને અહેસાસ થઈ ગયો છે કે તેઓની અવગણના થઈ રહી નથી. હવે નોર્થ ઈસ્ટ ન તો દિલ્હીથી દૂર છે અને ન તો દિલથી દૂર છે.