કર્ણાટકની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો બહુમતી સાથે વિજય થયા બાદ રાજ્યમાં મુખ્યમંત્રીની પસંદગી કરવા દોડધામ જોવા મળી રહી છે. હાલ બેંગ્લોરમાં ધારાસભ્યોની મહત્વની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં ધારાસભ્ય દળના નેતાની પસંદગી અંગે નિર્ણય લેવાશે. દરમિયાન સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજ્યમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 18 મેએ યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સોનિયા ગાંધીની સાથે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. આ સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સમાન વિચારધારા ધરાવતા પક્ષોને પણ આમંત્રણ મોકલાશે. જો કે હાલમાં કોંગ્રેસ સામે સૌથી મોટો પડકાર મુખ્યમંત્રીની ચૂંટણીનો છે. પાર્ટીના નિવેદન મુજબ કર્ણાટકમાં આગામી મુખ્યમંત્રી કોણ હશે તેનો નિર્ણય નિરીક્ષકો તમામ ધારાસભ્યો સાથે વાત કર્યા બાદ જ લેવામાં આવશે.