અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીના રિડેવલપમેન્ટને લીલી ઝંડી મળી ગઈ છે અને હવે ત્યાં પાકા મકાનો બનશે. ગુલબાઈ ટેકરાનો સમાવેશ અમદાવાદના પ્રાઈમ લોકેશનમાં થાય છે પરંતુ ત્યાં આવેલી આ ઝૂંપડપટ્ટી સામે આજુબાજુની સોસાયટીઓએ વાંધો ઉઠાવ્યો હતો જેનો કેસ છેલ્લા ત્રીસ વર્ષથી હાઈકોર્ટમાં ચાલી રહ્યો હતો. પરંતુ હાઈકોર્ટે સોસાયટીઓની અરજીને ફગાવી દેતા આ વિવાદનો અંત આવી ગયો છે અને 'હોલીવુડ' તરીકે જાણીતા વિસ્તારની કાયાપલટનો માર્ગ મોકળો બન્યો છે. ગુલબાઈ ટેકરામાં જ્યાં આ ઝૂંપડપટ્ટી છે ત્યાં છેલ્લા ઘણા સમયથી તેના રિડેવલપમેન્ટની રાહ જોવામાં આવી રહી હતી. ઝૂંપડપટ્ટીની આસપાસ આવેલી હાઉસિંગ સોસાયટીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી ત્રણ દાયકા જૂની અરજીને ગુજરાત હાઈકોર્ટે ગત વર્ષે જાન્યુઆરીમાં ફગાવી દીધી હતી. કોર્ટના ચૂકાદા બાદ ગત સપ્તાહે આ વિસ્તાર માટે ત્રીજી અને અંતિમ ટાઉન પ્લાનિંગ (TP) સ્કિમ જાહેર કરવામાં આવી હતી.