રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં કડકડતી ઠંડી (extremely cold) પડી રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, આગામી 4-5 દિવસ દરમિયાન ઉત્તર ભારતમાં ખૂબ ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા છે. આ વચ્ચે દિલ્હી એરપોર્ટ પર ગાઢ ધુમ્મસની સ્થિતિ વચ્ચે એક એડવાઈઝરી જારી કરીને મુસાફરોને મુસાફરી કરતા પહેલા એરલાઈન્સનો સંપર્ક કરવાની સલાહ આપી હતી.
ખરાબ હવામાનને કારણે અનેક ફ્લાઈટ્સ મોડી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં આજે સવારે ગાઢ ધુમ્મસની સાથે પશ્ચિમ-ઉત્તર દિશામાંથી ઠંડા પવનો પણ ફૂંકાયા હતા. જેના કારણે આ રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. આજે દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે ઘણી ફ્લાઈટ્સ મોડી થવાને કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે પણ દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં હાડ થીજવતી ઠંડીના કારણે, લોકો પોતાને ગરમ રાખવા માટે તાપણા પાસે બેઠેલા જોવા મળી રહ્યા છે. આજે પણ હવામાનની સ્થિતિને ખરાબ હોવાને કારણે તેમજ વિઝિબલિટી ઓછી હોવાને કારણે દિલ્હી એરપોર્ટ પરથી ઉપડતી લગભગ 30 ફ્લાઇટ્સ મોડી પડી છે અને 17 ફ્લાઇટ્સને રદ કરવામાં આવી છે. આ ઉપરાંત કેટલીક ટ્રેનો પણ મોડી ચાલી રહી છે.
આ રાજ્યોમાં કોલ્ડવેવ રહેશે
આ સાથે સિક્કિમ, આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં હળવો વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. તેમજ ઓડિશા, લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને કેરળમાં પણ વરસાદની સંભાવના છે જ્યારે હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને બિહાર ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ ઠંડીનું જોર યથાવત રહેશે. આ સિવાય જમ્મુ વિભાગ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઝારખંડ, ઓડિશા, આસામ અને મેઘાલય અને નાગાલેન્ડના અલગ-અલગ વિસ્તારોમાં સવારે ગાઢ ધુમ્મસ રહેશે.
વિઝિબલીટી ઓછી હોવાને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે
રાજધાની દિલ્હી તેમજ NCRના ઘણા વિસ્તારોમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે. ઉત્તર તરફથી આવતા બર્ફીલા પવનોને કારણે હાડ થીજવતી ઠંડી પડી રહી છે. ઉત્તર ભારતના બિહાર, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને ગાઢ ધુમ્મસને કારણે વિઝિબલીટી ઓછી હોવાને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ દિલ્હી તરફ આવતી મોટા ભાગની ટ્રેનો મોડી ચાલી રહી છે. ઠંડીને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. લોકો ઠંડીથી બચવા માટે દિલ્હીના આનંદ વિહાર બસ સ્ટેન્ડ, કાશ્મીરી ગેટ અને જૂની દિલ્હી રેલવે સ્ટેશનની બહાર તપાણાં (Bonfire) કરતા જોવા મળી રહ્યા છે.
જમ્મુ-કાશ્મીર, પશ્ચિમી રાજસ્થાન અને પૂર્વ મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. પંજાબ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમી મધ્ય પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, બિહાર, હરિયાણા, ઓડિશા અને ત્રિપુરામાં પણ ગાઢ ધુમ્મસ છવાયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ પંજાબ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, ઓડિશા અને ત્રિપુરામાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે.