ગુજરાતમાં આગામી મહિને વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટણી પહેલાં જ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થશે? ભારતની રિટેલ ઓઈલ કંપનીઓના તાજેતરમાં જાહેર થયેલા એક રિપોર્ટ પરથી આવા સંકેતો મળી રહ્યા છે. જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ રિટેલ કંપનીઓ આઈઓસી, બીપીસીએલ અને એચપીસીએલને જુલાઈ-સપ્ટેમ્બરમાં કુલ રૂ. ૨,૭૪૮.૬૬ કરોડનું નુકસાન થયું છે. આ કંપનીઓએ સતત બીજા ત્રિમાસિકમાં નુકસાન વેઠવું પડયું છે. આશ્ચર્યજનક બાબત એ છે કે ભારત આ વર્ષની શરૂઆતથી રશિયા પાસેથી સસ્તુ ક્રૂડ ખરીદી રહ્યું હોવા છતાં ઓઈલ કંપનીઓને આ જંગી નુકસાન થયું છે.