સુપ્રીમ કોર્ટે એસસી, એસટી અનામત અંગે આપેલા ચૂકાદાને લઇને થયેલી રિવ્યૂ પિટિશનને નકારી દીધી છે અને પોતે આપેલા ચુકાદાને યોગ્ય ઠેરવ્યો છે. મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડની આગેવાનીમાં ગઠીત સાત ન્યાયાધીશોની બેંચે કહ્યું હતું કે એસસી-એસટી અનામત અંગે અમે આપેલા ચુકાદામાં કોઇ જ ભુલ નથી તેથી તેમાં રિવ્યૂની કોઇ જરૂર નથી. પહેલી ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે અનામત અંગે ચુકાદો આપ્યો હતો અને એસસી-એસટી અનામતમાં ક્વોટા માટે ફેરફાર કરવાની રાજ્ય સરકારોને છૂટ આપી હતી. એસસીમાં પણ સામાજિક, આર્થિક કે શૈક્ષણીક રીતે સૌથી વધુ વંચિત છે તેવા લોકોને અનામતમાં ક્વોટાની છૂટ સુપ્રીમે આપી હતી. જોકે સુપ્રીમે એવી સ્પષ્ટતા કરી હતી કે કોઇ પણ રાજ્ય સરકાર માત્ર અનુમાનના આધારે આ ચુકાદાનો અમલ નહીં કરી શકે, અમલ માટે ચોક્કસ ડેટા હોવા જરૂરી છે. આ ચુકાદાને લઇને વિવાદ પણ જોવા મળી રહ્યો છે. એવામાં સુપ્રીમમાં થયેલી રિવ્યૂ પિટિશનને રદ કરી દેવામાં આવી છે.