ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા મુદ્દે ભારત અને કેનેડા વચ્ચેનો વિવાદ દરરોજ વધુ વકરી રહ્યો છે. બંને દેશે એકબીજાના રાજદ્વારીઓને દેશ છોડવાનો આદેશ આપ્યા પછી ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી હતી. જોકે, હવે ભારતે ગુરુવારથી કેનેડા સામે આકરું વલણ અપનાવતાં કેનેડિયન નાગરિકોના ભારત પ્રવેશ પર પ્રતિબંધ મૂકીને વિઝા કામગીરી બંધ કરી દીધી છે. જોકે, ભારતે આ માટે કેનેડામાં ભારતીય મિશનના કર્મચારીઓની સુરક્ષાનું કારણ આગળ ધરીને કામચલાઉ રીતે કેનેડામાં વીઝા અરજી કેન્દ્રોની સેવાઓ બંધ કરી હોવાનું જણાવ્યું છે. વધુમાં કેન્દ્ર સરકારે કેનેડાને નવી દિલ્હીમાં તેના રાજદ્વારીઓની સંખ્યા ઘટાડવા પણ કહ્યું છે.