ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, સુપ્રીમ માટે કોઈ કેસ નાનો નથી. નાના ગુનામાં લાંબા સમયથી સજા ભોગવી રહેલા વ્યક્તિને મુક્ત કરવાનો આદેશ આપતાં તેમણે આ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, અમારા માટે કોઈ કેસ નાનો નથી. જો અમ નાગરિકોની વ્યક્તિગત સ્વતંત્રતાનું રક્ષણ કરી નથી કરી શકતા તો પછી અમે અહીં શું કરવા બેઠા છીએ.
ચીફ જસ્ટિસની આ ટિપ્પણી એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે, ગુરુવારે કેન્દ્રીય કાયદામંત્રી કિરેન રિજિજુએ સુપ્રીમ કોર્ટના કામકાજ પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે મોટી બંધારણીય બાબતોની સુનાવણી કરવી જોઈએ જામીનના મામલાઓની નહીં. શુક્રવારે ચીફ જસ્ટિસે કહ્યું કે, સુપ્રીમ કોર્ટ લોકોના મૂળભૂત અધિકારોની રક્ષક છે અને વ્યક્તિગત સ્વતંત્રતા એ એક મહત્વપૂર્ણ મૌલિક અધિકાર છે.