વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ના ૬૫ સ્થાપના દિવસે મેસેજ આપતા કહ્યું હતું કે નૂતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને આર્થિક ગુનાખોરી ડામવી જોઈએ. વધતી ઓનલાઈન ગુનાખોરી બાબતે પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી હતી અને તેની સામે મજબૂત લડત આપવા અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો.
પીએમ મોદીએ ડીઆરઆઈના સ્થાપના દિવસે કહ્યું હતું કે ભાગેડુ આર્થિક અપરાધીઓ સામે લડત ચલાવવામાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત હંમેશા આગળ રહ્યું છે. ભારતે આવા ગુનેગારોને પાછા લાવવા અને તેની સામે યોગ્ય કાર્યવાહી થાય તે માટે સતત અવાજ ઉઠાવ્યો છે. આર્થિક ગુનાખોરી રોકવા માટે અધિકારીઓ નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરે તે સમયની માગ છે. વડાપ્રધાને કહ્યું હતું કે દુનિયાભરમાં આર્થિક અપરાધો વધ્યા છે. સમસ્યા વૈશ્વિક બની છે ત્યારે સમાધાન પણ વૈશ્વિક હોવું જોઈએ. બધા જ દેશોએ સંગઠિત થઈને આવી ગુનાખોરી સામે લડત આપવાની જરૂર છે.ડીઆરઆઈની પ્રશંસા કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે દેશના આર્થિક હિતો જાળવવામાં સંસ્થા બહુ જ પ્રયત્નશીલ છે. ૨૦૨૧-૨૨ના વર્ષમાં ડીઆરઆઈએ ૩૪૬૩ કિલો હેરોઈન, ૮૩૩ કિલોગ્રામ સોનું અને ૩૨૧ કિલો કોકેઈન જપ્ત કર્યું હતું.